રાજુલામાં પ્રાથમિક અર્બન આરોગ્ય કેન્દ્રને બે વર્ષ થઈ ગયા હોવા છતાં સ્ટાફની ભારે અછતને કારણે તેની કામગીરી ખોરંભે પડી છે.આ કેન્દ્રને હર્બલ આરોગ્ય કેન્દ્ર તરીકે સુંદર નામ આપવામાં આવ્યું છે, પરંતુ જરૂરી સ્ટાફ અને પોતાનું મકાન પણ ન હોવાથી તેને ભાડાના મકાનમાં ચલાવવું પડે છે. આ જ પરિસ્થિતિ તાલુકાના અન્ય આરોગ્ય કેન્દ્રોમાં પણ જોવા મળે છે.
કરાર આધારિત જગ્યાઓ ખાલી હોવા છતાં ભરવામાં આવતી નથી. રાજુલા અર્બન આરોગ્ય કેન્દ્રમાં એમ.પી.એસ.ડબલ્યુ. (પુરુષ હેલ્થ વર્કર)ની છ જેટલી જગ્યાઓ ખાલી છે. આ વિસ્તારના અનેક શિક્ષિત બેરોજગારોએ સેનેટરીનો કોર્સ કર્યો હોવા છતાં, તેમની અરજીઓ અને રજૂઆતો આરોગ્ય કચેરીમાં ધૂળ ખાઈ રહી છે. આ જગ્યાઓ ખાલી હોવાથી ઘરે-ઘરે જઈને સર્વે કરવો, કોરોના સંબંધિત કામગીરી, મેલેરિયા-ચિકનગુનિયાના રિપોર્ટિંગ, ફેમિલી પ્લાનિંગ અને સગર્ભા મહિલાઓના કેમ્પ જેવી અગત્યની કામગીરી માત્ર કાગળ પર જ થઈ રહી છે. બાકીનું કામ અન્ય સ્ટાફને ચાર્જ આપીને કરાવવામાં આવે છે. તાજેતરમાં એક કરાર આધારિત જગ્યા ભરવામાં આવી, જેનાથી પ્રશ્નો ઊભા થયા છે કે જો એક જગ્યા ભરી શકાતી હોય તો બાકીની પાંચ જગ્યાઓ કેમ ખાલી રાખવામાં આવી છે. આ અંગે એક સ્થાનિક બેરોજગાર યુવાને સવાલ ઉઠાવ્યો છે.
ઔદ્યોગિક વિસ્તારમાં આરોગ્યની કામગીરી અનિવાર્ય
રાજુલા વિસ્તારમાં સિન્ટેક્સ, અલ્ટ્રાટેક, પીપાવાવ પોર્ટ, સ્વાત એનર્જી જેવા ઉદ્યોગોમાં લગભગ ૨૫,૦૦૦ જેટલા મજૂરો કામ કરે છે. આવા ઔદ્યોગિક વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની શક્યતા વધુ હોય છે. તેથી, આરોગ્ય વિભાગ દ્વારા સર્વે અને નિવારક કામગીરી અત્યંત જરૂરી છે. જો પૂરતો સ્ટાફ ન હોય, તો આ કામગીરી અસરકારક રીતે થઈ શકતી નથી