રાજુલા નજીક નેશનલ હાઈવે પર રેલવે ફાટક પાસેના રસ્તાની અત્યંત ખરાબ હાલત વાહનચાલકો માટે મોટી સમસ્યા બની ગઈ છે. ટુ-વ્હીલચાલકોથી માંડીને હેવી વાહનો અને ટેન્કરો-કન્ટેનરોના ડ્રાઈવરો આ ખરાબ રસ્તાથી ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે, છતાં નેશનલ હાઈવે ઓથોરિટીની આંખ ઊઘડતી નથી. સિક્સ-વે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, જેમાં એક બ્રિજ તૈયાર થઈ ગયો હોવા છતાં તેને નાના-મોટા વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવતો નથી, લોકો માંગ કરી રહ્યાં છે કે તૈયાર બ્રિજને વહેલી તકે વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવો જોઈએ. આ ઉપરાંત, રાજુલાથી ઉના રોડ પર કાગવદર અને ભટવદર વચ્ચે છેલ્લા પાંચ વર્ષથી ડાયવર્ઝન છે કારણ કે ત્યાં એક નાનું નાળું તૈયાર છે, પરંતુ તેના પર વાહન ચલાવવા દેવામાં આવતા નથી. લોકોમાં એવી ચર્ચા છે કે કામ નબળું હોવાથી નાળું તૂટી જવાની ભીતિ છે. જો આવું હોય તો તેનું સમારકામ કેમ થતું નથી? ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે ૨૭૦ કિલોમીટર લાંબો છે અને તેને ૩૬ મહિનામાં પૂરો કરવાનો કોન્ટ્રાક્ટ હતો, પરંતુ આજે ૧૦ વર્ષ વીતી ગયા છતાં કામ અધૂરું છે. અનેક જગ્યાએ ડાયવર્ઝન અને અધૂરા નાળા-ઓવરબ્રિજ જોવા મળે છે.