રાજુલા શહેરમાં નાઘેર આહીર સમાજ દ્વારા એક ક્રાંતિકારી અને પ્રગતિશીલ નિર્ણય લેવામાં આવ્યો છે, જે વર્તમાન મોંઘવારીના સમયમાં સમાજના આર્થિક રીતે નબળા વર્ગને મોટી રાહત આપશે. રાજુલા આહીર સમાજ વાડી ખાતે યોજાયેલી એક અગત્યની મિટિંગમાં સમગ્ર નાઘેર આહીર સમાજના અગ્રણીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સર્વાનુમતે લેવાયેલા મહ¥વના નિર્ણયોઃ આ બેઠકમાં સમાજમાં સમાનતા લાવવાના ઉદ્દેશ્યથી સગાઈ અને લગ્ન પ્રસંગોમાં સોના-ચાંદીની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેમાં સોનું ઓછામાં ઓછું ત્રણ તોલા અને વધુમાં વધુ પાંચ તોલા લગ્ન સુધીમાં દેવાનું રહેશે અને ચાંદી મહત્તમ ૨૦૦ ગ્રામ સુધી જ દેવાની રહેશે. સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં આવા નીતિ-નિયમો ન હોવાથી એકથી વધુ દીકરીઓ ધરાવતા પરિવારોને આર્થિક ભારણ વેઠવું પડતું હતું. આ બેઠકમાં નાઘેર આહીર સમાજના સામાજિક, રાજકીય અને શૈક્ષણિક સમિતિના આગેવાનો અને નારાયણી સેનાના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.







































