રાજુલા તાલુકાના રામપરા, દેવપરા, ભેરાઇ સહિતના ગામડાઓમાં પીપાવાવ પોર્ટ દ્વારા પીવાના પાણીની પાઇપલાઇનમાં મીટર લગાવવાના પ્રયાસો સામે ઉગ્ર વિરોધ પ્રદર્શનો થયા છે. ગ્રામજનો, ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધોએ આક્રોશ સાથે રોષ વ્યક્ત કર્યો છે.આજે મોટી સંખ્યામાં લોકો ફોરવે માર્ગ પર ઉમટી પડ્યા હતા અને પીપાવાવ પોર્ટ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. પીપાવાવ મરીન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, રાજુલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ, જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતનભાઈ શિયાળ, અને અનેક સરપંચો સહિતના આગેવાનો ગ્રામજનોના સમર્થનમાં જોડાયા હતા.ગ્રામજનોનો મુખ્ય મુદ્દો એ છે કે મહી પરીયોજના હેઠળ તેમને વર્ષોથી પીવાનું પાણી મળી રહ્યું છે. પીપાવાવ પોર્ટે અગાઉ આ ગામડાઓ દત્તક લીધા હતા અને પાણી પૂરું પાડવાનું વચન આપ્યું હતું. રામપરા ગામના સરપંચ છનાભાઈ વાઘે જણાવ્યું કે પોર્ટ દ્વારા રોડ પહોળો કરવા માટે તેમના બે કુવા પણ બુરી દેવામાં આવ્યા હતા, અને પાણી આપવાનું વચન અપાયું હતું. હવે અચાનક મીટર લગાવવાની કામગીરી શરૂ થતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ તંત્રના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે, જ્યાં સુધી પાણીનો ટાંકો ન બનાવવામાં આવે ત્યાં સુધી મીટર લગાવવાનું કોઈ કામ કરવામાં ન આવે. તેમણે જણાવ્યું કે ભેરાઇ અને રામપરા ગામ માટે પાણીનો કોઈ બીજો વિકલ્પ નથી. કાશીબેન નામના સ્થાનિક રહેવાસીએ પણ જણાવ્યું કે, અગાઉથી પાણી મળતું હતું અને હવે પોર્ટ દ્વારા પાણી બંધ કરવાની વાત છે.રાજુલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલે પણ તંત્રને જણાવ્યું હતું કે ,પોલીસ અને વહીવટી તંત્રને આગળ રાખીને કરવામાં આવતી કોઈ પણ કામગીરી ચલાવી લેવામાં આવશે નહીં.
પીપાવાવ પોર્ટનું નિવેદન
પીપાવાવ પોર્ટના પી.આર.ઓ. શિવેન્દ્ર ચૌહાણે જણાવ્યું કે, ગામવાળા સાથે તેમને કોઈ સમસ્યા નથી. તેમણે દાવો કર્યો કે પાણી કાપવામાં આવ્યું નથી, પરંતુ વેલ્ડીંગના કારણે સફાઈ ચાલી રહી હતી. તેમણે સ્થાનિક લોકો સાથે મીટિંગ રાખીને આ મુદ્દાનો સુખદ અંત લાવવાનો પ્રયાસ કરવાની ખાતરી આપી છે. આગામી સમયમાં ધારાસભ્ય સહિતના આગેવાનો અને પોર્ટના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાશે તેવી પણ ખાતરી અપાઈ છે.








































