રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં એસટી બસોના વારંવાર બંધ થતા રૂટોને લઈને પ્રજામાં આક્રોશ વ્યાપી રહ્યો છે. રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા નવી બસોની ફાળવણી તથા રૂટ પુનઃશરૂ કરવાની સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં, સ્થાનિક ડેપો સ્તરે અમલ ન થતો હોવાની ફરિયાદ ઉઠી છે. ધારાસભ્ય હિરાભાઈ સોલંકી દ્વારા રાજુલા-ભાવનગર અને રાજુલા-જૂનાગઢ રૂટને પ્રારંભ કરાવવામાં આવ્યા હતા, પરંતુ થોડી જ દિવસોમાં બસો સ્થગિત કરવામાં આવી.
ડ્રાઈવર અને કંડક્ટરની અછત, મેળા વ્યવસ્થા અને માર્ગોની સ્થિતિ જેવા કારણો દર્શાવી રૂટ બંધ રાખવામાં આવે છે. પરિણામે ૩૦થી વધુ ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓના અભ્યાસ અને વેપાર પ્રવાહ પર અસર પડી રહી છે. ચેમ્બર ઓફ કોમર્સે રજૂઆતો કર્યા છતાં સમસ્યા યથાવત રહેતા લોકમાં નિરાશા ફેલાઈ છે.








































