રાજુલા કન્યા શાળા નંબર ત્રણમાં આજે સમગ્ર શિક્ષા અંતર્ગત બી.આર.સી. ભવન દ્વારા તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર તાલુકામાં વિજ્ઞાન પ્રત્યે રુચિ અને નવીનતાનો વિકાસ થાય તે હેતુથી આયોજિત આ મેળાનો વિષય “વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ (STEM)” રાખવામાં આવ્યો હતો. આ મેળામાં કુલ ૩૮ શાળાઓના ૮૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત ક્ષેત્રે પોતાના વિચારો અને પ્રયોગો રજૂ કર્યા, જેમાં પર્યાવરણ સંરક્ષણ, નવી ઊર્જા, કૃષિ ટેક્નોલોજી, રોબોટિક્સ અને ડિજિટલ ઇનોવેશન જેવા વિષયો પર પ્રદર્શનો તૈયાર કરવામાં આવ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના પ્રતિનિધિ તરીકે તેમના પુત્ર ભાવેશ હીરાભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે અને અન્ય મહાનુભાવો જેમ કે જિલ્લા શિક્ષક સંઘના ઉપપ્રમુખ અરશીભાઈ જાલંદ્રા, બી.આર.સી. પંકજભાઈ હૈલૈયા અને ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ સ્વાદિપ સંસ્થાના પ્રતિનિધિ રાજુભાઈ ચાવડાએ વિદ્યાર્થીઓને આત્મનિર્ભર ભારત નિર્માણમાં STEM ક્ષેત્રની મહત્વની ભૂમિકા વિષે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.








































