રાજુલા વિસ્તારમાં રહેતા પડોશીઓ વચ્ચે અવારનવાર થતી માથાકૂટનું મનદુઃખ રાખીને લગ્નપ્રસંગમાં ગયેલા યુવક અને તેના પરિવાર પર હુમલો થયાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ હુમલામાં યુવક અને તેના પરિવારજનોને ઇજાઓ પહોંચી હતી. બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. ભારતીબેન જગદીશભાઇ વિજુંડા (ઉ.વ.૨૧)એ જેન્તીભાઇ જોગદીયા, કવિતાબેન જેન્તીભાઇ જોગદીયા તથા વિશાલભાઇ જેન્તીભાઇ જોગદીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમને તેની બાજુમાં રહેતા કવિતાબેન જોગદીયા સાથે અવારનવાર ઝઘડો અને બોલાચાલી થતી હતી. આ વાતનું મનદુઃખ રાખીને જ્યારે તેમના પતિ તેમના જેઠના લગ્નપ્રસંગમાં ગયા હતા, ત્યારે આરોપીઓ ત્યાં પહોંચી ગયા હતા અને તેના પતિને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. ત્યારબાદ, પથ્થરના છૂટ્ટા ઘા મારીને તેમને ઘૂંટણ અને ખભાના ભાગે મુંઢ ઇજાઓ પહોંચાડી હતી. જ્યારે તેઓ બચાવવા માટે વચ્ચે પડ્યા, ત્યારે આરોપીએ તેમને પણ જેમ ફાવે તેમ ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો અને ડાબા હાથના કાંડા ઉપર પથ્થર મારીને ઇજા પહોંચાડી હતી.
આ ઉપરાંત આરોપીએ તેના ઘરે લગ્નપ્રસંગમાં આવેલા સાક્ષી તનુબેન ધર્મેશભાઈ મહીડા અને જાગુબેન ભીખુભાઈ મહીડાને પણ ગાળો આપી હતી. જેમાં તનુબેનને પગના ભાગે પથ્થર મારી ઇજા કરી હતી તેમજ લાકડી વડે મુંઢમાર માર્યો હતો. ઉપરાંત જાગુબેનને પણ શરીરે ઢીકાપાટુનો મુંઢમાર મારવામાં આવ્યો હતો. આરોપીઓ ત્યાંથી જતા જતા તેમને અને તેમના પતિને ‘હવે પછી ઘરની બહાર નીકળશો તો જીવતા નહીં રહેવા દઈએ, જાનથી મારી નાખીશું’ તેવી જાનથી મારી નાખવાની ગંભીર ધમકી આપી હતી. જે બાદ કવિતાબેન જેન્તીભાઇ જોગદિયા (ઉ.વ.૪૦)એ જગદિશભાઇ કેશુભાઇ વિઝુંડા, ધર્મેશભાઇ મહીડા, મંજુબેન કેશુભાઇ વિઝુંડા, ભાવનાબેન જગદિશભાઇ વિઝુંડા, તનુબેન ધર્મેશભાઇ મહીડા તથા જાગુબેન ભીખુભાઇ મહીડા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીઓ તેમને ગાળો આપતા હતા. જેથી તેમણે તેમને ઠપકો આપ્યો હતો. જે વાતનું મનદુઃખ રાખી તેમના પતિને જેમ ફાવે તેમ ગાળો આપી, ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. તેમજ તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.










































