રાજુલાના એક નોકરિયાત યુવકને ઠગબાજોએ શિકાર બનાવ્યો હતો. ઠગબાજોએ શેરબજારનું નુકસાન રિકવર કરવાના બહાને યુવકને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી હજારો રૂપિયાની ઠગાઈ આચરી હતી. આ અંગે ગૌરવભાઇ ધીરૂભાઇ ટાંક (ઉ.વ.૨૨)એ જાનવી મોબાઇલ નં.૭૯૭૦૨૮૬૪૩૪, મો.નં.૭૬૧૭૩૫૭૫૪૩ ધારક તથા અભિષેક શર્મા મો.નં.૮૪૩૫૨૩૧૯૯૨ ધારક અને kamleshtawar નામનો QR કોડ ધારક સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ જાનવી નામની મહિલાએ શેરની ટિપ્સ આપી ફસાવ્યો હતો. ઘટનાની વિગત મુજબ, રાજુલાના ફરિયાદીનો સંપર્ક સૌપ્રથમ જાનવી નામની મહિલાએ (મોબાઈલ નંબરઃ ૭૯૭૦૨૮૬૪૩૪ અને ૭૬૧૭૩૫૭૫૪૩) કર્યો હતો. જાનવીએ ફરિયાદીને શેર ખરીદવાની લિન્ક અને ટિપ્સ આપી શરૂઆતમાં થોડો નફો કરાવી વિશ્વાસ જીત્યો હતો. જોકે, ત્યારબાદ શેરબજારના રોકાણમાં ફરિયાદીને મોટું નુકસાન ગયું હતું.જ્યારે ફરિયાદીને નુકસાન થયું ત્યારે અભિષેક શર્મા (મોબાઈલ નંબરઃ ૮૪૩૫૨૩૧૯૯૨) નામના શખ્સે તેમનો સંપર્ક કર્યો હતો. અભિષેકે ફરિયાદીને લાલચ આપી હતી કે જો તેઓ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરશે તો તેમનું શેરબજારનું તમામ નુકસાન રિકવર થઈ જશે. આ માટે તેણે ફરિયાદીને ‘META TRADER 5’ નામની એપ્લિકેશનમાં એકાઉન્ટ ખોલાવ્યું હતું. ત્યારબાદ, ‘કમલેશ ટાવર’ નામના વ્યક્તિનો QR કોડ મોકલી અને ગૂગલ પે (UPI) દ્વારા કટકે-કટકે રૂ.૩,૬૦૦, રૂ.૨,૨૦૦, રૂ.૧,૬૦૦ અને રૂ.૬,૫૦૦ પડાવ્યા હતા. એટલું જ નહીં, ઠગબાજોએ એક બેંક ખાતામાં પણ રૂ.૨૦,૦૦૦, રૂ.૧૧,૯૦૦ અને રૂ.૩૦,૦૦૦ જમા કરાવ્યા હતા. આમ, અલગ-અલગ ટ્રાન્જેક્શન દ્વારા કુલ રૂ.૭૫,૮૦૦/- મેળવી લઈ ફરિયાદી સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી.