રાજુલા શહેરમાં ધાર્મિક ઉમંગ અને ભક્તિભાવ સાથે લોટી ઉત્સવ અને નંદ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. યમુના મહારાણીની કૃપાથી રાજુલા યમુનાજી કપોળ ગ્રુપની વૈષ્ણવ બહેનોના સંયોજન હેઠળ આ ધાર્મિક કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ પ્રસંગે બપોરે ધર્મશાળા મુખ્ય બજારથી એક ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જે શહેરના માર્ગો પર રાસ-ગરબાની રમઝટ સાથે ગોવર્ધનનાથજી હવેલીએ પહોંચી હતી. ત્યારબાદ સાંજે ૫ઃ૦૦ કલાકે ગોવર્ધનનાથજી હવેલી ખાતે નંદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજન રાજુલા યમુનાજી કપોળ મહિલા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મહિલા ગ્રુપમાં અંદાજિત ૪૦ જેટલી બહેનો જોડાયેલી છે, જેઓ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.










































