રાજુલા તાલુકાના ગામ કાગધામનું નામ જેમના ઉપરથી પડ્યું છે એવા પદ્મ એવોર્ડથી સન્માનિત ભક્ત કવિ શ્રી દુલાભાયા કાગની ૧૨૧મી જન્મ જયંતીની આજે રાજુલાના નગરજનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત મજાદર અને મહુવા ખાતે પણ કાગબાપુની મૂર્તિઓને ફુલહાર અને પૂજા વિધિ કરી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. કાગધામ ખાતે દર વર્ષે કાગ સોચના દિવસે પરમ પૂજ્ય મોરારીબાપુ દ્વારા વિશિષ્ટ વ્યક્તિઓને એવોર્ડ અર્પણ તેમજ સંતવાણીનો કાર્યક્રમ અને બપોરના સાહિત્ય ગોષ્ઠીનો કાર્યક્રમ યોજાય છે. રાત્રિના સૌરાષ્ટ્રભરના ભજનીકો તેમજ કાગબાપુના ચાહકો વગેરે ઉપસ્થિત રહે છે. રાજુલામાં ટાવર નીચે કાગબાપુની મૂર્તિનું પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ગૌરાંગભાઈ મહેતા, વિશ્વ હિન્દુ પરિષદના યુવરાજભાઈ સાદુ તથા સાધુ સમાજના અગ્રણીઓ, અશ્વિન દાણીધારીયા તેમજ કનુભાઈ વરુ પત્રકાર તેમજ દિનેશ ઠાકર, માજી નગરપાલિકાના પ્રમુખ ચિરાગભાઈ જોશી, નિવૃત્ત મિલેટરી મેન મનીષભાઈ પરમાર તથા રાકેશભાઈ જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.