રાજુલા પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને આયોજિત તાલુકા સ્વાસ્થ્ય પરિષદમાં જનભાગીદારી વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળી રહે તે સુનિશ્ચિત કરવાનો હતો. આ બેઠકમાં પ્રિવેન્ટિવ કેર પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. બેઠકમાં, હાજર પદાધિકારીઓ અને સભ્યો દ્વારા માતા અને બાળ આરોગ્ય, કુપોષણ, એનિમિયા અને બિનચેપી રોગો પર જન સંવાદ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને, રાજુલા અને જાફરાબાદ તાલુકામાં કોઈ પણ બાળક કે મહિલા કુપોષિત ન રહે, સગર્ભા મહિલાના મૃત્યુ ન થાય અને નવજાત બાળક સ્વસ્થ રહે તે માટે સૌને પોતાની જવાબદારી નિભાવવા અનુરોધ કરાયો હતો. આ ઉપરાંત, પી.એન.ડી.ટી. એક્ટના અમલીકરણ અને રોગચાળાને અટકાવવા માટે ક્લોરિનેશનની કામગીરી બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.