રાજુલા ખાતે બલરામ હિંદુ સમિતિ દ્વારા ગત તા. ૧૯/૦૨/૨૦૨૬, ગુરુવારના રોજ છત્રપતિ શિવાજી મહારાજની જયંતી નિમિત્તે છતડિયા રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર (જીસ્ફજી) ખાતે ભવ્ય ‘હિંદુ સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેર તેમજ તાલુકાના તમામ વર્ગના લોકોની બહોળી ઉપસ્થિતિથી સંમેલન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.કાર્યક્રમમાં સાધુ-સંતો, વિવિધ સંસ્થાઓના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમની શરૂઆત સાધુ-સંતોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, ત્યારબાદ તમામ સંતોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે ઉપસ્થિત સૌ ભક્તો દ્વારા સમૂહમાં હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા.આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ “પંચ પરિવર્તન” વિષય પર સમાજમાં જાગૃતિ લાવવાનો હતો, જેમાં સામાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ, કુટુંબ પ્રબોધન, નાગરિક કર્તવ્ય અને સ્વદેશી ભાવના જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ તરીકે, અયોધ્યાથી લાવવામાં આવેલા પવિત્ર સરયૂ નદીના જળના દર્શનનો લ્હાવો ઉપસ્થિત સૌએ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી.સમગ્ર કાર્યક્રમનું સુવ્યવસ્થિત સંચાલન નિકુંજ પંડિત દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે બલરામ હિંદુ સમિતિના સંકેતભાઈ રાવળ, રાકેશભાઈ જોશી, શૈલેષભાઈ જાખરા, ભરતભાઈ મહેતા, ગીરીશભાઈ પટેલ, જાદવભાઈ વાળા, બ્રિજેશભાઈ બોરીસાગર, કમલેશભાઈ રાઠોડ, મનીષભાઈ લાલાણી, ઘનશ્યામભાઈ ઉનાગર, વિક્રમભાઈ ધાખડા અને કૌશિકભાઈ સહિત અનેક કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.