સુરતના એક વેપારી અને આરોપીઓ વચ્ચે દોઢ વર્ષ પહેલાં થયેલી મારામારીનું મનદુઃખ રાખી રાજુલામાં ભરબપોરે હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. રાજુલા સેશન્સ કોર્ટમાં મુદ્દત પતાવી પરત ફરી રહેલા વેપારીની કારને આંતરીને અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ હતી. મૂળ રાજુલાના અને સુરત રહી વેપાર કરતાં અનીલભાઇ બાબુભાઇ કાતરીયા (ઉ.વ.૪૪)એ મહેશભાઇ ભુરાભાઇ ધાખડા રહે.ઉચૈયા તથા અન્ય ચાર અજાણ્યા માણસો સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ, તેઓ કોર્ટમાં પોતાની મુદ્દત પૂર્ણ કરી કાર (નં. ય્ત્ન-૦૬-ઁછ-૨૪૫૬) માં બેસી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રાજુલા-જાફરાબાદ રોડ પર ભારત પેટ્રોલિયમ પાસે, મામલતદાર કચેરીના વળાંકમાં કાર પહોંચતા જ એક અજાણ્યા બાઇક સવારે ડ્રાઈવરને ઈશારો કરી ગાડી ઉભી રખાવી હતી. ગાડી ઉભી રહેતાની સાથે જ પાછળથી પણ એક મોટરસાયકલ પર બે શખ્સો આવ્યા હતા, જે પૈકી એક આરોપીના હાથમાં છરી હતી. અચાનક થયેલા આ હુમલામાં એક આરોપીએ લોખંડના પાઇપ વડે કારના આગળના કાચ પર જોરદાર પ્રહાર કર્યો હતો. જતી વખતે આરોપીઓએ ધમકી આપતા કહ્યું હતું કે, ભાગી ગયો, કાંઈ વાંધો નહીં, જો હોત તો તેને આજે પતાવી જ દેવાનો હતો. આમ, સરેઆમ જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. રાજુલા પોલીસ સ્ટેશનના એએસઆઈ ભરતભાઇ મુહાભાઇ વાળા વધુ તપાસ કરી રહ્યા છે.








































