શ્રી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ રાજકોટ અને રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળીના સંયુક્ત ઉપક્રમે આગામી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે એક ભવ્ય જળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નવા ચેકડેમ બનાવવા, બોર રિચાર્જ કરવા અને તળાવો ઊંડા કરવા જેવી મહત્વની કામગીરી અંગે લોકજાગૃતિ લાવવાનો છે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. આ તકે ઊર્જા મંત્રી કૌશિક વેકરિયા, દિલીપભાઈ સંઘાણી અને સાંસદ ભરતભાઈ સુતરીયા સહિતના મહાનુભાવો પ્રેરક હાજરી આપશે. આ સંમેલનમાં સ્થાનિક ધારાસભ્યો અને જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સહભાગી થશે. કાર્યક્રમમાં જાણીતા કલાકાર રાજભા ગઢવી અને અન્ય કલાકારો દ્વારા લોકડાયરાની રમઝટ બોલાવવામાં આવશે. આ ભગીરથ કાર્યમાં અંબરીશ જે. ડેર અને માર્કેટિંગ યાર્ડ પરિવારનો વિશેષ સહયોગ પ્રાપ્ત થયો છે.









































