રાજુલામાં જૂની અદાવત અને અગાઉ કરેલી ફરિયાદ પાછી ખેંચવા બાબતે ઓ.ટી. આસિસ્ટન્ટ પર લોખંડના પાઈપ વડે હુમલો કરી તેને ગંભીર ઈજા પહોંચાડ્‌યાની ઘટના સામે આવી હતી. આરોપીઓએ યુવકની મોટરસાઈકલને ફોરવ્હીલ વડે ટક્કર મારી પછાડી દીધા બાદ હુમલો કર્યો હતો. ગોવિંદભાઇ આણંદભાઇ બોરીચા (ઉ.વ.૫૨)એ વિજયભાઇ મંગળુભાઇ વરૂ તથા છત્રપાલ ચંન્દ્રકિશોરભાઇ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી મુજબ, તેઓ પોતાના દીકરાને રાજુલા ટાઉનની ખોજા સોસાયટીમાં ટ્યુશનમાં મૂકીને પોતાના મોટરસાઈકલ પર ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન આરોપી વિજયભાઈ વરુ એક સફેદ કલરની ફોરવ્હીલ ગાડી લઈને ધસી આવ્યા હતા અને તેમના મોટરસાઈકલને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરને કારણે તેઓ નીચે પટકાતા જ ગાડીમાંથી બે આરોપીઓ લોખંડના પાઈપ લઈને નીચે ઉતર્યા હતા. જીવ બચાવવા માટે તેઓ ઊભા થઈને રોડ તરફ ભાગ્યા હતા, પરંતુ બંને આરોપીઓએ તેને પકડી પાડી લોખંડના પાઈપથી આડેધડ પ્રહાર કર્યા હતા. હુમલાખોરોએ તેમને બંને પગના ઘૂંટણના નીચેના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેના કારણે તેને જમણા પગમાં ફ્રેક્ચર થયું હતું. આ ઉપરાંત ડાબા પગે અને જમણા હાથની હથેળીના ભાગે પણ મુંઢમાર જેવી ઈજાઓ પહોંચાડી ગાળો ભાંડી હતી.