શહેરમાં સનરાઈઝ ફાઉન્ડેશન દ્વારા અશ્વિનભાઈ ખુમાણના ૩૮મા જન્મદિવસ નિમિત્તે પટેલ વાડી ખાતે ભંડારીયા હનુમાનજી મહારાજનો થાળ, નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પ સહિતનો ત્રિવિધ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. આ કાર્યક્રમનો શુભારંભ ઉપસ્થિત સંતો-મહંતો અને મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. હનુમંત હોસ્પિટલ અને નવકાર બ્લડ બેંક-મહુવાના તબીબોની ટીમે પણ આ કેમ્પમાં પોતાની સેવાઓ આપી હતી. આ રક્તદાન કેમ્પમાં સ્થાનિક યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું અને અનેક દર્દીઓએ નિદાન કેમ્પનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન લોકસાહિત્યકાર શૈલેષભાઈ વાઘેલાએ કર્યું હતું. આ કાર્યક્રમમાં રાજુલા વિસ્તારના તમામ સમાજના લોકો અને નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.









































