રાજુલા શહેરની માત્ર ૧૦ વર્ષની દીકરી હેતવી દિપકભાઈ રાયચાએ સુરત ખાતે યોજાયેલી રાજ્ય
કક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી શહેર અને સમાજનું નામ રોશન કર્યું છે. હેતવીએ ઊંચીકૂદ (High Jump) ની અંડર-૧૧ કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા ટોપ-૮માં સ્થાન મેળવી ૮મો ક્રમ હાંસલ કર્યો હતો અને મેડલ જીત્યો હતો. ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી દ્વારા ગત તા. ૯ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી VNSGU) ખાતે રાજ્ય કક્ષાની એથલેટિક ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હેતવીએ આ સિદ્ધિ મેળવી સમગ્ર રાયચા પરિવાર અને રઘુવંશી સમાજનું ગૌરવ વધાર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હેતવી રાયચા હાલ અમદાવાદની ગ્લોબલ મિશન ઇન્ટરનેશનલ સ્કૂલ (સંસ્કાર ધામ) માં અભ્યાસ અને તાલીમ મેળવી રહી છે. તેણે અગાઉ ખેલ મહાકુંભમાં પણ અનેક મેડલ જીત્યા છે અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ લેવલે પણ ટોપ-૮માં સ્થાન મેળવ્યું હતું. આ તકે હેતવીના કોચ પ્રવીણ સોલંકી (રાહી સ્પોટ્‌ર્સ એકેડેમી) એ જણાવ્યું હતું કે, હેતવીએ સાબિત કરી દીધું છે કે આજની દીકરીઓ દીકરાથી જરા પણ કમ નથી. હેતવી ભવિષ્યમાં નેશનલ લેવલ પર પણ સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ પરિવાર અને શાળા દ્વારા પાઠવવામાં આવી છે.