રાજુલા શહેરમાં આવેલી બેંક ઓફ બરોડાની (જૂની દેના બેંક) શાખામાં તમામ એરકંડિશનર બંધ રહેતા લોકો ભારે તકલીફમાં મુકાયા છે. ચોમાસાની ઋતુ હોવા છતાં, બેંકની અંદર ભીનાશ અને ભેજવાળા વાતાવરણમાં પણ ગ્રાહકો ઊકળાટથી પરેશાન થઈ રહ્યા છે. વડીલોથી લઈને બાળકો સુધીના ગ્રાહકો તંગ આવી ગયા છે અને રોષ વ્યક્ત કરી રહ્યા છે. બેંકના શાખા મેનેજર સાથે વાત કરતા જાણવા મળ્યું કે, એરકંડિશનર બાબતે તેમણે ઉચ્ચ કક્ષાએ વારંવાર લેખિત રજૂઆતો કરી છે છતાં છેલ્લા દોઢ વર્ષથી કોઈ યોગ્ય પગલાં લેવામાં આવતા નથી. આ કારણે કામકાજ કરવું પણ મુશ્કેલ બને છે. આ શાખામાં નજીકના ગામડાંના લોકો, વિદ્યાર્થીઓ અને નોકરીયાત લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે. કલાકો સુધી લાઈનમાં અને પ્રોસેસમાં ઊભા રહીને બેંકના કામ કરવા પડે છે, જેથી વધુ તકલીફ પડે છે. વિષયની ગંભીરતા જોઈને પૂર્વ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બકુલભાઈ વોરાએ પણ તાત્કાલિક જવાબદારો સમક્ષ ફરીથી લેખિત રજૂઆત કરી છે. તેમનું કહેવું છે કે, “ગ્રાહકોની સુવિધા માટે કામ કરતી બેંકમાં જો પ્રાથમિક સગવડ જ ન મળે તો લોકોના હિત માટે સવાલ ઊભો થાય છે.” હવે જોવાનું એ રહે છે કે તંત્ર આ રજૂઆતને કેટલી ગંભીરતાથી લે છે.