રાજુલા શહેરની જનરલ હોસ્પિટલ ખાતે ઇમરજન્સી દર્દીઓને સમયસર બ્લડ મળે તે માટે એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા સ્વખર્ચે બ્લડ સ્ટોરેજ યુનિટ માટે ફ્રિઝ અને અન્ય જરૂરી સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા. હીરાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે રાજુલા ખાતે કાર્યરત બ્લડ સ્ટોરેજ યુનિટને સંપૂર્ણ બ્લડ બેંકમાં પરિવર્તિત કરવા માટે વિધાનસભામાં રજૂઆત કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં દર્દીઓને વધુ સુવિધા મળી રહે. આ કાર્યક્રમમાં બાપા સીતારામ હેલ્થ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રતિનિધિઓ, સ્થાનિક આગેવાનો, વેપારીઓ, ભાજપાના કાર્યકર્તાઓ તેમજ શહેરની ખાનગી હોસ્પિટલોના ડોક્ટર અને સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.