રાજુલા શહેરના ડુંગર રોડ પર આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરે ભવ્ય શાકોત્સવ તથા ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજે બે હજાર જેટલા સત્સંગી ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે નડિયાદથી પધારેલા અક્ષરનયન સ્વામીએ સત્સંગીઓને સંબોધન કરતા શાકોત્સવની પરંપરા વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, શાકોત્સવની શરૂઆત પ્રથમવાર લોયા ગામે કરવામાં આવી હતી, જ્યાં અઢાર મણ જેટલું ઘી વાપરીને શાક તૈયાર કરવામાં આવ્યું હતું. આ પરંપરા બીએપીએસ મંદિરોમાં અવિરત જળવાય રહે તે હેતુથી આ ઉત્સવ યોજવામાં આવે છે. ઉત્સવમાં દેશી પરંપરા મુજબનું ભોજન એટલે કે રીંગણાનું શાક, રોટલા, છાશ અને મરચાંનો મહાપ્રસાદ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના મુખ્ય દાતા તરીકે મનોજભાઈ મહેતાએ સેવા આપી હતી. આ ધાર્મિક પ્રસંગે રાજુલાના અગ્રણી વેપારીઓ અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.