રાજુલા તાલુકાના રામપરા, ભેરાઈ સહિતના ગ્રામ્ય વિસ્તારોના ૨૦૦ જેટલા ખેડૂતો દ્વારા શનિવારે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને કંપની દ્વારા ખેડૂતોની જમીન પડાવી લેવા બાબતે ધોરણસરની કાર્યવાહી કરવા અને આગામી સમયમાં ન્યાય નહીં મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. રાજુલા તાલુકાના ભેરાઈ, રામપરા સહિતના ગ્રામ્ય વિસ્તારોના ૨૦૦ જેટલા ખેડૂતોએ આહિર સમાજના આગેવાન બાબુભાઈ રામ, અરજણભાઈ વાઘ, સનાભાઇ વાઘની આગેવાનીમાં આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે પીએસએલ હોલ્ડિંગ કંપની દ્વારા ખેડૂતોને ભોળવીને ૧૯૯૨ માં જમીનની ઓછા ભાવે ખરીદી કરી હતી જેના બદલામાં ખેડૂતોને નોકરી આપવાની, ખેડૂતોને કામ આપવાનું તેવી શરતો આપવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી આ કંપની ચાલુ કરવામાં આવી નથી અને આ કંપની દ્વારા ખેડૂતો પાસેથી સસ્તા ભાવે જમીન લઈ અને અન્ય કંપનીને વેચી નાખવામાં આવતા ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતોને સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આ બાબતે શનિવારે પ્રાંત કલેકટર સમક્ષ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આગામી સમયમાં કોઈ જાતનો નિર્ણય લેવામાં નહીં આવે અને ખેડૂતોને ન્યાય નહીં મળે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આ બાબતે બાબુભાઈ રામે જણાવ્યું હતું કે ભોળવીને ૨૦૦ જેટલા ખેડૂતોની જમીન સસ્તા ભાવે કંપની દ્વારા લેવામાં આવી હતી અને તેના બદલામાં તેઓને નોકરી કામ આપવાની વાત હતી પરંતુ આજ દિન સુધી આ કંપની આવી નથી અને ઊલટાની ખેડૂતો પાસેથી જમીન લઈ અને બીજી કંપનીને મોંઘા ભાવે આપી દેવામાં આવી છે અને ખેડૂતોની સાથે છેતરપિંડી થઈ છે ત્યારે આગામી સમયમાં જો ખેડૂતોને સરકાર દ્વારા ન્યાય આપવામાં નહીં આવે તો ખેડૂતો સાથે જન આંદોલન કરવાની શરૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.