રાજુલા શહેરના ભેરાઈ રોડ પર આવેલા અને લોકોમાં ‘મીની બગદાણા ધામ’ તરીકે ઓળખાતા બાપા સીતારામ ગુરુ આશ્રમ ખાતે સંત શ્રી બજરંગદાસ બાપાની ૪૯મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન અવસરે આશ્રમ ખાતે મંગળા આરતી, ગુરુપૂજન, રાજભોગ આરતી, સર્વ રોગ ફ્રી નિદાન કેમ્પ અને સંધ્યા આરતી જેવા ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે નગરયાત્રા બાપાના મંદિરેથી પ્રસ્થાન કરી, કાનજીબાપા સોસાયટી અને માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં ફરીને પરત નિજ મંદિરે પૂર્ણ થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. સાંજના સમયે હજારોની સંખ્યામાં લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો અને રાત્રે ૯ઃ૦૦ કલાકે સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર મીરાનગરના રહીશો દ્વારા પૂરતો સાથ-સહકાર પૂરો પાડવામાં આવ્યો હતો. આ તકે રાજુલા શહેરના અગ્રણીઓ, વેપારીઓ, વિવિધ સંસ્થાના આગેવાનો અને રાજકીય કાર્યકર્તાઓએ વિશેષ હાજરી આપી હતી.