ઘટનાની જાણ થતા ધારાસભ્ય હીરા સોલંકી સહિત અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા

ડૂબી જનાર બર્બટાણા ગામના યુવાનો, ગ્રામજનોમાં ચિંતાનો માહોલ

રાજુલા તાલુકાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં ન્હાવા પડેલા ચાર યુવાનો ડૂબવાની ઘટના બની છે. ગ્રામજનોએ તાત્કાલિક મદદ માટે દોડી જઈ પોલીસ અને મામલતદારને જાણ કરી હતી.ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, કોસ્ટગાર્ડ અને સ્થાનિક તરવૈયાઓ સહિતનું તંત્ર બચાવ અને શોધખોળ માટે ઘટના સ્થળે દોડી આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા એકઠા થતાં પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો.સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકી પણ ધટના સ્થળે દોડી આવ્યા હતા અને તેમણે પોતે પણ યુવાનોને બહાર કાઢવા માટે પાણીમાં ઝંપલાવ્યું હતું. ડૂબી જનારા યુવાનોમાં મેરામભાઈ ખીમાભાઈ પરમાર (૩૫), કાનાભાઈ ખીમાભાઈ પરમાર (૨૫), ભરતભાઇ ખીમાભાઈ પરમાર (૨૦), અને પિન્ટુભાઈ પાંચાભાઈ વાઘેલા (૩૫) (રહે. તમામ બર્બટાણા)નો સમાવેશ થાય છે.

ત્રણ સગાભાઈઓ હોવાનું સામે આવ્યુ
ધારેશ્વર ગામ નજીક પસાર થતી ધાતરવડી નદીમાં ખુબ પ્રવાહ હોવાથી બર્બટાણા ગામના ચાર યુવાનો ધાતરવડી નદી પસાર કરતા હતા ત્યારે અચાનક એક યુવાનનો નદીમાં પગ લપસતા એકને બચાવવા જતા ચાર યુવાનો ડૂબ્યા હતા. જેમાં કાનાભાઈ ખીમાભાઈ પરમાર, ભરતભાઈ ખીમાભાઈ પરમાર અને મેરામભાઈ ખીમાભાઈ પરમાર ત્રણેય સગ્ગા ભાઈઓ હોવાનુ જાણવા મળતા ગામમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી.

ભારે વરસાદને કારણે નદી ગાંડીતૂર
રાજુલા પંથકની ધાતરવડી નદી સૌથી લાંબી છે. બે દિવસ પહેલા રાજુલા પંથકમાં ભારે વરસાદને કારણે ધાતરવડી નદી ગાંડીતૂર બની હતી. નદીમાં ભારે પ્રવાહ હોવાથી યુવાનોની શોધખોળ તંત્ર માટે મુશ્કેલ બની છે. જા કે કોસ્ટગાર્ડને પણ જાણ કરવામાં આવતા કોસ્ટગાર્ડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. હાલ તો ચારેય યુવાનોની શોધખોળ ચાલી રહી છે.

નદી આગળ જતા ડેમમાં ભળે છે
ધાતરવડી નદીમાં ડૂબેલા યુવાનોની સતત શોધખોળ થઈ રહી છે, આ લખાય છે ત્યાં સુધીમાં હજુ યુવાનોનો કોઈ પત્તો લાગ્યો નથી. તંત્ર દ્વારા સતત શોધખોળ કરવામાં આવી રહી છે. આ નદી આગળ જતા ડેમમાં ભળતી હોવાથી કદાચ તંત્ર માટે યુવાનોની શોધખોળ મુશ્કેલ બને તેવી પણ શક્યતા છે.