રાજુલા પાસેનું દેવકા ગામ ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા (ભાઇશ્રી)નું જન્મ સ્થળ અને વતન છે. ત્યાં દેવકા વિદ્યાપીઠ કાર્યરત છે, જેમાં સેંકડો વિદ્યાર્થી ભાઈ-બહેનો રહીને અભ્યાસ કરી રહ્યા છે. આ સંકુલમાં છાત્રાલય અને ભોજનાલયના નવા બિલ્ડીંગ બનાવવામાં આવ્યા છે, જેનું લોકાર્પણ બુધવારના રોજ સવારે ૧૦ઃ૩૦ કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, અમરેલી જિલ્લાના તમામ ધારાસભ્યો, મંત્રી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં થશે. આ પ્રસંગે રમેશભાઈ ઓઝા, ચાપરડા વિદ્યા સંકુલના સ્થાપક તેમજ સંત સમાજના પ્રમુખ મુક્તાનંદજી બાપુ વગેરે સંતો મહંતો ઉપસ્થિત રહેશે. વ્રજ ભાગીરથી ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ આ સંસ્થાનું સંચાલન થઈ રહ્યું છે. મુખ્યમંત્રીના આગમનને લઈને રાજુલામાં તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.









































