રાજુલા તાલુકાના કોવાયા ગામે પૈસાની લેતીદેતી મામલે કૌટુંબિક સભ્યો વચ્ચે હિંસક અથડામણ થઈ હોવાની ઘટના સામે આવી હતી. નવ લાખ રૂપિયાની જૂની ઉઘરાણી મુદ્દે થયેલી બોલાચાલી બાદ ભત્રીજા અને તેના પુત્રએ ફરિયાદી વૃદ્ધ સાથે મારપીટ કરી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. શીવાભાઇ રાણીંગભાઇ લાખણોત્રા (ઉ.વ.૩૩) એ જીકારભાઇ સામતભાઇ લાખણોત્રા તથા જીવણાભાઇ જીકારભાઇ લાખણોત્રા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ જ્યારે પોતાના ઘરે હતા ત્યારે તેમના કૌટુંબિક ભત્રીજા જીકારભાઈ સામતભાઈ લાખણોત્રા અને તેમનો પુત્ર જીવણાભાઈ ત્યાં આવ્યા હતા. આરોપીઓએ તેમની પાસે જૂના બાકી નીકળતા ૯ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેના જવાબમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, ‘મેં પૈસા ચૂકવી દીધા છે.’ પોતે પૈસા આપી દીધા હોવાનું કહેતા જ આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ફરિયાદી સાથે ગાળાગાળી કરી ઝપાઝપી શરૂ કરી હતી. આરોપીઓએ તેમને મુંઢમાર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ સામે આવ્યું છે.








































