રાજુલાથી વડલીગામ તરફ જતો મુખ્ય માર્ગ વર્ષોથી બિસ્માર હાલતમાં હોવા છતાં અધિકારીઓ તથા જનપ્રતિનિધિઓ કોઈ નક્કર પગલાં નથી લઈ રહ્યા. માર્ગ પર મોટા ખાડાઓને કારણે દરરોજ પસાર થતાં હજારો રાહદારીઓ મુશ્કેલીનો સામનો કરે છે. ખાસ કરીને, આ રસ્તેથી પસાર થતી એમ્બ્યુલન્સોમાં દર્દીઓને ભારે જોખમ રહે છે. હૃદયરોગના દર્દી કે પ્રસૂતિની પીડામાં મહિલાઓને હોસ્પિટલ પહોંચાડવામાં આ રસ્તો જીવલેણ સાબિત થઈ શકે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ગ્રામ્ય વિસ્તારોના અનેક ગામો — વડલી, ચારોડીયા, કુંડલીયાળા, ઝાંઝરડા, બાબરીયાધાર સહિતના ગામોને જોડતો આ માર્ગ રાજુલા શહેરના હૃદયમાંથી પસાર થતો માર્ગ ગણાય છે. સ્થાનિક લોકો જણાવે છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં માત્ર નાના-મોટા થિગડા મારીને ફોટા પાડીને સંતોષ માનવામાં આવે છે, જ્યારે મૂળ સમસ્યા હલ થતી નથી. વર્ષોથી ચાલતી આ અવ્યવસ્થા દૂર કરવા માટે તાત્કાલિક રસ્તાની મરામત અને સુઘડ કામગીરી કરવાની માગ ઉઠી છે.