ગાંધીનગર વિધાનસભાની બહાર આજે ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. વાજતેગાજતે ઢોલનગારા લઈને રાજીનામું આપવા નીકળેલા કાંતિભાઈ અંતે રાજીનામું આપ્યા વગર પરત ફરી ગયા હતા. તેમણે કહ્યું કે, ગોપાલ ઈટાલિયા આવે તો હું પણ રાજીનામું આપી દઉં. સમગ્ર ડ્રામામાં ગોપાલ ઈટાલિયા સંપર્ક વિહોણા થયા. ગોપાલ ઈટાલિયા તરફથી કોઈ પ્રતિક્રિયા ન આવી.
રાજીનામાના નામે ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું રાજકીય નાટક આજે જોવા મળ્યું. મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને આપેલા પડકારને પૂર્ણ કરવા માટે આજે ગાંધીનગર પહોંચ્યા હતા. કાંતિ અમૃતિયા પોતાના સમર્થકોની લગભગ ૧૦૦થી વધુ ગાડીના વિશાળ કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા હતા, કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાના રાજીનામાની રાહ જોઈ હતી. પોતાના વચન પ્રમાણે ભાજપના મોરબીના ધારાસભ્ય કાંત અમૃતિયા રાજીનામું આપવા પહોંચ્યા હતા. અગાઉ કાંતિ અમૃતિયાએ સોમવારે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. કાંતિ અમૃતિયાએ ગોપાલ ઈટાલિયાને રાજીનામું આપવા પડકાર ફેંક્યો હતો. ત્યારે કાંતિ અમૃતિયા પોતાના સમર્થકો અને ઢોલ નગારા સાથે ગાંધીનગર રાજીનામું આપવા પહોંચી ગયા હતા અને ગોપાલ ઈટાલિયાની રાહ જોઈ રહ્યાં હતા, પરંતુ ગોપાલ ઈટાલિયા આવ્યા ન હતા.
આપના નેતા પ્રવીણ રામે કાંતિ અમૃતિયાના રાજીનામાને નૌટંકી ગણાવી. હાલની સમસ્યાઓ અને ભ્રષ્ટાચારથી ધ્યાન ભટકાવવા માટે ભાજપ અને કાંતિકાકા નાટક કરી રહ્યા હોય એવો પ્રવીણ રામનો આક્ષેપ કર્યો. તેમજ કાંતિકાકા ગાંધીનગર જવા રવાના થયા એમને આપનેતા પ્રવીણ રામે નૌટંકી ગણાવી. જો રાજીનામાં જ આપવા હોય તો આખી સરકારનું રાજીનામું આપી દો અને ચૂંટણી કરાવો એવી આપ નેતા પ્રવીણ રામે ભાજપને ચેલેન્જ આપી.
તેમણે કહ્યું કે, ગુજરાતના રોડ રસ્તાની હાલત, ગંભીરા બ્રીજની ઘટના, નલ સે જલ અને મનરેગા યોજનામા ભ્રષ્ટાચાર પરથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે ભાજપે કાંતિકાકાને કોન્ટ્રાક્ટ આપ્યો છે. ગોપાલ ઈટાલિયાએ પોતે રાજીનામું આપવાની વાત જ નથી કરી અને હજુ શપથ જ નથી થયા તો ગોપાલભાઈના રાજીનામાની વાત જ નથી આવતી. કાંતિકાકા ગાંધીનગર જઈને વીડિયો બનાવીને જેમ વાઘ માર્યો હોય એમ નાટક કરશે અને ગુજરાતની જનતાનું ધ્યાન ભટકાવવાનું કામ કરશે.
ઈસુદાન ગઢવીએ વાતચીતમાં જણાવ્યું કે, ભાજપ ખોટા ગતકડાં કરે છે એટલે લોકોના પ્રશ્નોને વાચા નથી મળતી. હું કહું છું કે ગોપાલ ઈટાલીયા રાજીનામુ નહી આપે, એ શું કામ આપે? એવુ હોય તો ભાજપના તમામ લોકો રાજીનામુ આપે. ભાજપ સત્તામાંથી જાય અને અમે આવીયે ત્યાર બાદ જ લોકોના પ્રશ્નોને વાચા મળશે.