રાજસ્થાનમાં ભીષણ ગરમીએ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. રાજ્ય ૯૧ વર્ષ પછી આટલી તીવ્ર ગરમીનો અનુભવ કરી રહ્યું છે. રાજસ્થાન હાલમાં દેશમાં સૌથી વધુ ગરમીનો અનુભવ કરી રહ્યું છે. શ્રીગંગાનગરમાં દેશમાં સૌથી વધુ તાપમાન ૪૯.૪ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું. જયપુરના હવામાન કેન્દ્ર અનુસાર, ગંગાનગરમાં મહત્તમ તાપમાન ૪૯.૪ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા ૭.૯ ડિગ્રી વધારે હતું. ૧૪ જૂન, ૧૯૩૪ ના રોજ શહેરમાં મહત્તમ તાપમાન ૫૦ ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતું.

રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં ૪૪ ડિગ્રીથી ઉપર તાપમાન નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચુરુમાં મહત્તમ તાપમાન ૪૭.૬ ડિગ્રી, જેસલમેરમાં ૪૬.૯ ડિગ્રી, બિકાનેરમાં ૪૬.૪ ડિગ્રી, જાધપુરમાં ૪૬.૩ ડિગ્રી, ફલોદી અને બાડમેરમાં ૪૬.૨ ડિગ્રી, પિલાનીમાં ૪૫.૪ ડિગ્રી, લુંકરનસરમાં ૪૫.૨ ડિગ્રી, પાલી અને ફતેહપુરમાં ૪૫ ડિગ્રી, ચિત્તોડગઢમાં ૪૪.૯ ડિગ્રી, સંગારિયામાં ૪૪.૬ ડિગ્રી, ઝુંઝુનુમાં ૪૪.૫ ડિગ્રી, નાગૌરમાં ૪૪.૪ ડિગ્રી સેલ્સીયસ હતું. શુક્રવારે રાજધાની જયપુરમાં મહત્તમ તાપમાન ૪૪.૫ ડિગ્રી સેલ્સીયસ હતું.

ભારતીય હવામાન વિભાગે  ઉદયપુર, કોટા, જયપુર અને ભરતપુર વિભાગના કેટલાક ભાગોમાં પ્રી-મોન્સૂન પ્રવૃત્તિમાં વધારો થવાની આગાહી કરી છે. જાધપુર અને બિકાનેર વિભાગોમાં પણ વાવાઝોડાની શક્્યતા છે, જ્યારે બપોર દરમિયાન છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.ઉદયપુર, કોટા, જયપુર અને ભરતપુર વિભાગના કેટલાક ભાગોમાં પૂર્વ-ચોમાસાની મોસમી પ્રવૃત્તિઓમાં વધારો થવાની ધારણા છે અને તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની ધારણા છે.

વિભાગે જણાવ્યું હતું કે જાધપુર અને બિકાનેર વિભાગોમાં ગરમીનું મોજું ચાલુ રહેવાની શક્યતા છે અને બપોર પછી વાવાઝોડા, ૫૦ થી ૬૦ કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.