રાજસ્થળી ગ્રામ પંચાયત દ્વારા એક નવી અને પ્રેરણાદાયક પહેલ હાથ ધરવામાં આવી છે, જેના અંતર્ગત રાજસ્થળી ગામે લગ્નના દિવસે જ લગ્ન નોંધણી પૂર્ણ કરી મંડપમાં જ નવદંપતીને મેરેજ સર્ટિફિકેટ (લગ્ન નોંધણી પ્રમાણપત્ર) આપવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતના સભ્ય કૈલાસબેન ગુણવંતભાઈ સાવલિયાની દીકરી ચિ. શર્મિલાબેનના લગ્ન પ્રસંગે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. લગ્નના દિવસે જ સાક્ષીઓ, ગોર મહારાજ, નવદંપતી તેમજ તેમના માતા-પિતાની સહી અને જરૂરી દસ્તાવેજો મેળવી ચકાસણી (વેરિફિકેશન) કરવામાં આવી હતી. તમામ ધાર્મિક તથા વહીવટી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ સરપંચ ગણપતભાઈ સેંજલિયા અને તલાટી-કમ-મંત્રી દેવયાનીબેન પરમાર દ્વારા મંડપમાં જ મેરેજ સર્ટિફિકેટ અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખોડલધામ પરિવાર, અમરેલી દ્વારા નવદંપતીને શ્રી યંત્ર અર્પણ કરી ખેસ પહેરાવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.










































