શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક હિસ્ટ્રીશીટર યુવકની હત્યાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. પ્રેમ સંબંધ, મનદુઃખ અને બ્લેકમેઇલની આશંકા વચ્ચે આ સમગ્ર ઘટનાક્રમ સર્જાયો હોવાનું સામે આવી રહ્યું છે.
૧૬ માર્ચ ૨૦૨૬ના રોજ રાત્રે લગભગ ૯ઃ૪૫ વાગ્યે રાજકોટના રૈયાધાર વિસ્તારમાં આવેલા ડ્રીમ સિટી નજીક ૩૨ વર્ષીય હિસ્ટ્રીશીટર ભાવેશ વાણવી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરો સ્વિફ્ટ કારમાં આવ્યા હતા અને ભાવેશનું અપહરણ કરી તેને શીતલ પાર્ક નજીક રસ્તા પર ફેંકી દીધો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં ભાવેશને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં બીજા દિવસે વહેલી સવારે તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવને પગલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં હત્યા, અપહરણ, રાયોટિંગ અને એટ્રોસિટી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક ભાવેશના કૃપાલી નામની યુવતી સાથે સંબંધો હતા. સાથે જ આરોપી હમીર જાગરાણા અને કૃપાલી વચ્ચે સોશિયલ મીડિયા મારફતે વાતચીત થતી હોવાની શંકા ભાવેશને હતી. આ મુદ્દે બંને વચ્ચે લાંબા સમયથી મનદુઃખ ચાલતું હતું. તેમજ બ્લેકમેઇલ અને ખોટા કેસમાં ફસાવવાની ધમકી અંગે પણ વિવાદ ચાલતો હોવાનો ખુલાસો થયો છે.
આ કેસમાં અત્યાર સુધી મુખ્ય આરોપી સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં મુખ્ય આરોપી હમીર જાગરાણાને અંકલેશ્વરથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ અગાઉ પણ છેતરપિંડી અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા છે. હજુ ત્રણ આરોપીઓ ફરાર છે, તેમની શોધખોળ ચાલુ છે. આ સમગ્ર બનાવ રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ફરી એકવાર સવાલો ઊભા કરે છે. પોલીસે દેવ કરણ, વિક્રમ તેમજ ભૂરો સહિતના બાકી આરોપીઓની ધરપકડ માટે તલાશ તેજ કરી છે.