શહેરમાં બુધવારના રોજ ઇન્દીરા સર્કલ પાસે સિટી બસ ચાલક શિશુપાલ સિંહ રાણા દ્વારા ૯ જેટલા વાહનોને અડફેટે લેતા ૪ જેટલા માસુમોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે બનાવો સંદર્ભે કુલ બે જેટલી ફરિયાદ નોંધવામાં આવી છે. એક ફરિયાદ રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત સંદર્ભે નોંધવામાં આવી છે. બીજી ફરિયાદ સરકારી વાહનમાં તોડફોડ, સરકારી અધિકારીના ફરજમાં રૂકાવટ તેમજ ડ્રાઇવર શિશુપાલસિંહ રાણાને માર મારવા બદલ નોંધવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગાંધીગ્રામ પોલીસ ખાતે નોંધવામાં આવેલી ફરિયાદ સંદર્ભે પોલીસ દ્વારા હાલ ઝીણવટ પૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જ ડ્રાઇવર શિશુપાલસિંહ રાણાનું ડ્રાઇવિંગ લાઇસન્સ બે મહિના પૂર્વે જ એક્સપાયર થઈ ચૂક્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે કોની અનુમતિથી તેમજ કોની બેદરકારીથી લાઇસન્સ એક્સપાયર થઈ ચૂક્યું હોવા છતાં શિશુપાલસિંહ રાણાને સીટી બસ ચલાવવા આપવામાં આવતી હતી. ત્યારે સમગ્ર મામલે હાલ ગાંધીગ્રામ પોલીસ દ્વારા મહાનગરપાલિકા તેમજ સીટી બસનો કોન્ટ્રાક્ટ ધરાવનારી એજન્સી વચ્ચે કયા પ્રકારનો કરાર થયો છે, તેમજ એજન્સી અને ડ્રાઇવરો વચ્ચે પણ કયા પ્રકારનો કરાર થયો છે તે બાબતેના દસ્તાવેજા પોલીસ દ્વારા મંગાવામાં આવ્યા છે.

પોલીસ સુત્રોમાંથી મળતી વિગત અનુસાર આગામી એક-બે દિવસમાં બેજવાબદાર એજન્સી સુપરવાઈઝર તેમજ મનપાના બેજવાબદાર અધિકારી વિરુદ્ધ જરૂરી દસ્તાવેજ એકત્રિત કર્યે ગુનો દાખલ કરવામાં આવે તેવી શક્યતા પોલીસ સુત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે ખરા અર્થમાં ડ્રાઇવરની સાથો સાથ કોન્ટ્રાક્ટ મેળવનાર એજન્સીના જવાબદાર સંચાલકો તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ વિરુદ્ધ કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરા મીડિયા સાથેની વાતચીતમાં અગાઉ કહી ચૂક્યા છે કે આ વખતે ઉદાહરણરૂપ કાર્યવાહી બે જવાબદારો વિરુદ્ધ કરવામાં આવશે.