રાજકોટ શહેરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ વિસ્તારમાં આજે ધોળા દિવસે એક લોહિયાળ હત્યાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. જાહેર માર્ગ પર એક યુવક પર છરીના એક પછી એક ઘા ઝીંકી નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ પણ હુમલાખોર યુવકને લાતો મારતો રહ્યો હોવાનું સીસીટીવી ફૂટેજમાં સામે આવ્યું છે. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને આક્રોશનો માહોલ સર્જાયો છે.
આ ઘટનાને લઈને એસીપી બી.જે. ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે ૪૩ વર્ષીય નિલેશ હરિભાઇ ટોકીયાની મહેશ જેઠવા નામના વ્યક્તિએ છરીના ૭ ઘા મારી હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
ચોંકાવનારી બાબત એ છે કે, યુવક જમીન પર પડી ગયા બાદ પણ આરોપી સતત છરીથી હુમલો કરતો રહ્યો અને પછી લાતો મારી ક્રૂરતા દાખવી. આ સમગ્ર ઘટનાના ઝ્રઝ્ર્‌ફ દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં હુમલાખોર સ્પષ્ટ રીતે યુવક પર હુમલો કરતો નજરે પડે છે.
હાલ હત્યાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, પરંતુ પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણને લઈને ઝઘડો થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જાકે પોલીસ દ્વારા હજુ સુધી અધિકૃત રીતે કારણની પુષ્ટિ કરવામાં આવી નથી.
ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. લાશને કબ્જામાં લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે. મૃતક ગુરૂપ્રસાદ ચોક નજીક આવેલા અંકુરનગર વિસ્તારમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે.
હત્યાનો આરોપી ઘટના બાદ બાઇક પર ફરાર થઈ ગયો હતો. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે તેમજ પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે.