શહેરના પેલેસ રોડ પર આવેલા મનમંદિર એપાર્ટમેન્ટના ચોથા માળે કોઈ કારણોસર પુજારા પરિવારના ફ્લેટમાં આગ લાગી હતી. બુધવારે રાત્રિના બાર વાગ્યાની આસપાસ આ દુર્ઘટના બની હતી. સમગ્ર મામલાની જાણ ૧૧૨ ઉપર થતા તાત્કાલિક અસરથી ફાયર વિભાગનો કાફલો તેમજ પોલીસની ટીમ ઘટના સ્થળ ખાતે દોડી ગઈ હતી. તેમજ તાત્કાલિક અસરથી બેભાન હાલતમાં માતા પુત્રને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે માતા પુત્રને મરણ ગયેલ જાહેર કર્યા હતા. ત્યારબાદ માતા પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે, ૯૨ વર્ષના પ્રભા પુજારા તેમજ ૬૧ વર્ષીય નરેન્દ્ર પુજારા નામના માતા પુત્રનું આગના કારણે દાઝી જતા તેમજ ગૂંગળામણના કારણે બુધવારના રોજ મોડી રાત્રે મૃત્યુ થયું છે. બનાવ સંદર્ભે રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બીએનએસએસની કલમ ૧૯૪ મુજબ અકસ્માત મોત રજીસ્ટર્ડ કરવામાં આવ્યો છે.
એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ બી. વી. બોરીસાગર દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાત્રિના સવા બાર વાગ્યા આસપાસ પોલીસને આ અંગેનો કોલ આવ્યો હતો. રાતે પેલેસ રોડ પર વર્તમાન નગર શેરી નંબર સાતમાં આવેલા મન મંદિર એપાર્ટમેન્ટના બ્લોક નંબર ૪૦૨માં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ફ્લેટના કિચનમાં તેમજ હોલના ભાગે ઇલેક્ટ્રોનિક આઈટમ્સ બળીને ખાખ થઈ ચૂકી હતી. ત્યારે બનાવ સંદર્ભે એફએસએલની ટીમની પણ પોલીસ દ્વારા મદદ લેવામાં આવશે. કયા કારણોસર ઘરમાં આગ લાગી હતી તે બાબતે પણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે. ત્યારે એફએસએલની તપાસમાં આગ લાગવા બાબતનું કયું કારણ સામે આવે છે તે તો અતિ મહત્વનું બની રહેશે.










































