રાજકોટ નજીક અમરેલી ગામ પાસે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા નિર્માણ પામનાર ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનો ફાઈનલ માસ્ટર પ્લાન આજે રજૂ કરવામાં આવ્યો હતો. ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ તથા ટાટા મેમોરિયલ હોસ્પિટલના પદ્મશ્રી ડો. રાજેન્દ્ર અચ્યુત બડવેની ઉપસ્થિતિમાં હોસ્પિટલની ડિઝાઈન, ઈન્ટિરિયર અને સુવિધાઓનું પ્રેઝન્ટેશન રજૂ થયું. પ્રથમ ફેઝમાં ૩૩ એકર જમીન પર ૨૨૦ બેડની અદ્યતન હોસ્પિટલનું નિર્માણ થશે. અહીં કેન્સરનું નિદાન, સારવાર અને રિસર્ચ એક જ છત હેઠળ મળશે. ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને વિનામૂલ્યે અથવા ટોકન દરે સારવાર મળશે. હોસ્પિટલ નફો-નુકસાન વગર સમાજસેવાના હેતુથી કાર્ય કરશે અને સૌરાષ્ટ્ર માટે આશીર્વાદરૂપ બનશે. આ ફાઈનલ માસ્ટર પ્લાન રજૂ કરવાના પ્રસંગે ટ્રસ્ટીઓ, સર્વ સમાજના ઉદ્યોગપતિઓ, ડોક્ટરો, વિવિધ સમાજના અગ્રણીઓ સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.









































