ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસુ અને ત્યાર બાદ થયેલા કમોસમી વરસાદના કારણે ખેતી પાકને મોટુ નુકસાન થયું છે. રાજ્ય સરકાર દ્વારા પાક નુકસાનીનો સર્વે કરાવ્યા બાદ ખેડૂતો માટે ૧૦ હજાર કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં હેક્ટર દીઠ બે હેક્ટરની મર્યાદામાં ૨૨ હજાર રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે. બીજી તરફ રાજકોટ જિલ્લા સહકારી બેન્ક દ્વારા પણ ખેડૂતો માટે ખાસ કૃષિલોન યોજનાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેન્ક દ્વારા ખેડૂતોને ખાસ કૃષિ લોન હેઠળ ૦ ટકા લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે.રાજકોટ જિલ્લા સહકારી બેન્કના ખેડૂત સભાસદો માટે “ખાસ કૃષિલોન યોજના” શરૂ કરવામાં આવી છે. તાજેતરમા પડેલ ભારે કમોસમી વરસાદને કારણે ખેડૂત સભાસદોને થયેલ પારાવાર નુકસાનીમા રાહત મળી રહે તે માટે રાજકોટ જિલ્લા સહકારી બેન્ક દ્વારા ખાસ કૃષિલોન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ લોન યોજના બનાવીને રાજકોટ તેમજ મોરબી જિલ્લાના મંડળી મારફત ધિરાણ લેતા અંદાજે ૨૨૫૦૦૦ ખેડૂત સભાસદો માટે રૂ. ૧૩૦૦ કરોડની જાગવાઈ કરીને હેકટર દીઠ રૂ. ૧૨૫૦૦ અને વધુમાં વધુ રૂ. ૬૫૦૦૦નું ૦% એ ૧ વર્ષની મુદત માટે  કૃષિલોન આપવાનો નિર્ણય કરતા બેન્કના ચેરમેન જયેશ રાદડિયા દ્વારા લેવામાં આવ્યો છે. આ કૃષિલોન ખેડૂતોને ૦% એ આપવાથી બેન્કને થનાર અંદાજે રૂ ૧૦૦ કરોડનો ખર્ચ ખેડૂતો વતી બેન્ક ભોગવશે.રાજકોટ જિલ્લા બેન્કના ચેરમેન જયેશ રાદડિયાએ કહ્યું કે, આ વખતે ચોમાસામાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. ત્યારે રાજકોટ બેન્ક હંમેશા ખેડૂતોની બેન્ક રહી છે. ખેડૂતો માટે આજે બેન્ક દ્વારા કૃષિ લોન સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે. બેન્કના સભાસદ ૨.૨૫ લાખ ખેડૂતોને એક વર્ષ માટે શૂન્ય ટકા વ્યાજે ખાસ લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે.જયેશ રાદડિયાએ વધુમાં કહ્યું કે, બેન્કના સભાસદ ખેડૂતોને હેક્ટર દીઠ ૧૨૫૦૦ સુધીની લોન અને વધુમાં વધુ ૬૫ હજારની લોન આપવામાં આવશે. આ લોન યોજનાનો લાભ રાજકોટ અને મોરબી જિલ્લાના ૨.૨૫ લાખ ખેડૂતોને મળશે. ખેડૂતોને માવઠાથી થયેલા નુકસાનની ભરપાઇ અને રવિ પાકના વાવેતર માટે આ લોન મહત્વની છે. ખેડૂતો પાસેથી વધારાના કોઈ કાગળો લેવામાં આવશે નહીં. જેવી રીતે ધીરાણ મેળવીએ છીએ તેવી જ રીતે મંડળીમાં કાગળો આપીને લોન મેળવી શકાશે.