રાજકોટ ગ્રામ્ય પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ અંતર્ગત ચાલી રહેલી સાયબર ફ્રોડની તપાસમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ કેસમાં એપીએમસી સાથે સંકળાયેલા અનેક બેંક એકાઉન્ટ મારફતે મોટા પાયે નાણાકીય ગેરરીતિ કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. રાજકોટ રૂરલ સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓમાં તેલંગણાના વતની અને મુખ્ય માસ્ટરમાઇન્ડ પૈકીના એક આદિલુદ્દીન મહમદ, રાજકોટના કુવાડવા રોડ વિસ્તારમાં રહેતા મિહિર રંગાણી અને રાજકોટ શહેરમાં રહેતા હિરેન લીંબાસીયાનો સમાવેશ થાય છે.

પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, આ કેસમાં અગાઉ શંકાસ્પદ રકમ આશરે ૪૦૦ કરોડ માનવામાં આવી રહી હતી, પરંતુ તપાસ આગળ વધતા આ આંકડો હવે અંદાજે ૧૫૦૦ કરોડ સુધી પહોંચી ગયો હોવાનું સામે આવ્યું છે. આમાંથી ૨૩.૧૪ કરોડની રકમ બાબતે ૧૯૩૦ હેલ્પલાઇન પર દેશભરમાં ૧૮૦ જેટલી સાયબર ફ્રોડ સંબંધિત ફરિયાદો નોંધાઈ ચૂકી છે. ૨૩.૧૪ કરોડમાંથી ૨.૯૪ કરોડની રકમ ગુજરાત રાજ્યમાંથી રિપોર્ટ થઈ છે, જ્યારે કુલ ૧૮૦ ફરિયાદોમાંથી ૨૧ ફરિયાદો ગુજરાતની છે.

રાજકોટના એસપી વિજયસિંહ ગુર્જરે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, આ કેસમાં અગાઉ મનીષ કમાણી, જય નાદપરા, ઋષિ રૈયાણી, પ્રવિણસિંહ પરમાર, મયુરસિંહ વાઘેલા અને મહેન્દ્રસિંહ જાડેજા સહિતના આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. તેમની પૂછપરછ દરમિયાન તેલંગણામાં રહેતા મોહમ્મદ આદિલુદ્દીનનું નામ ખુલ્યું હતું.

ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આદિલુદ્દીનને તેલંગણાથી ઝડપી પાડવામાં આવ્યો. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, આદિલુદ્દીન પોતાની નીચેની ચેનલમાં રહેલા લોકોના બેંક એકાઉન્ટમાં ફ્રોડની રકમ જમા કરાવી, તે રકમ રોકડમાં ઉપાડી આંગડિયા મારફતે ઉપરની ચેનલમાં મોકલતો હતો. સાયબર ફ્રોડ માટે આદિલુદ્દીન દ્વારા ‘અલ આદીન’, ‘અલ મુનીર’ અને ‘અલ ફાઝીલ’ જેવી પેઢીઓ બનાવવામાં આવી હતી, જેમના પાંચ જેટલા એકાઉન્ટમાં આશરે ?૨૩ કરોડની રકમ જમા થઈ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ એકાઉન્ટમાં સાયબર ફ્રોડ ઉપરાંત જીએસટી ફ્રોડ અને ઇલીગલ ગેમિંગના નાણાં પણ જમા કરાવવામાં આવતા હોવાનું પોલીસ કહે છે.

ધરપકડ કરાયેલા મિહિર રંગાણી ‘લોરીલ એગ્રી એક્સપોર્ટ’ નામની પેઢી ધરાવે છે. તેના બે બેંક એકાઉન્ટ એપીએમસી સાથે લિંકડ હોવાનું અને તેમાં આશરે ૮૭ કરોડની લેવડદેવડ થઈ હોવાનું સામે આવ્યું છે, જેમાંથી ૧ કરોડથી વધુ રકમ બાબતે સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાઈ છે. હિરેન લીંબાસીયા આ સમગ્ર નેટવર્કમાં ‘મિડિયેટર’ તરીકે કામ કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. તેનું મુખ્ય કાર્ય મિહિર રંગાણી અને મનીષ રામાણીના બેંક એકાઉન્ટમાં થતી નાણાકીય લેવડદેવડ સંભાળવાનું હતું.

રાજકોટ ગ્રામ્ય સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાલ સાયબર ફ્રોડ સાથે-સાથે જીએસટી ફ્રોડના એનગલથી પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે, આવનારા દિવસોમાં આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.