શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત ૧૬મી ડિસેમ્બરના રોજ બેડી ચોકડી પાસે આવેલી દાળ પકવાનની દુકાન ખાતે હિસ્ટ્રી શીટર ભુપત બાબુતર ઉર્ફે ભુપત ભરવાડના ભત્રીજાઓ સહિતના વ્યક્તિઓ દ્વારા લોખંડના પાઇપ સહિતના હથિયારો વડે વિપુલ વડેચા નામના વેપારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે ઘટનાના ૨૦ દિવસ બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હિસ્ટ્રી શીટર ભુપત બાબૂતર ઉર્ફે ભુપત ભરવાડના ભત્રીજા દેવશી બાબુતર, શ્યામ બાબુતર તેમજ કિશન સરસિયા નામના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. તો સાથે જ ઘટના સ્થળે દોરડાથી બાંધીને લઈ જઈ રી કન્સ્ટ્રક્શન પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા ગુનાના કામે લોખંડના પાઇપ તેમજ ફોર્ચ્યુનર કાર પણ કબજે કરવામાં આવી છે.
દાળ પકવાનના વ્યવસાય સાથે સંકળાયેલા વિપુલ વડેચા દ્વારા કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે ૧૭મી ડિસેમ્બરના રોજ બીએનએસની કલમ ૧૧૭(૨), ૧૮૯ (૨), ૧૯૧ (૨), ૧૯૧ (૩), ૧૯૦, ૧૧૫ (૨), ૩૫૨, ૧૯૦ સહિતની કલમ અંતર્ગત ફોર્ચ્યુંનર કારના ચાલક દેવશી બાબુતર અને અજાણ્યા પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે વિપુલ વડેચા નામના વ્યક્તિને હાથમાં ફ્રેક્ચર જેવી ઈજા પણ પહોંચી હતી. ત્યારે ભોગ બનનાર તેમજ તેના પરિવારજનો દ્વારા શહેર પોલીસ કમિશનરને આરોપીઓને ઝડપી પાડવા બાબતે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. જેથી સમગ્ર મામલાની તપાસ કુવાડવા રોડ પોલીસ પાસેથી આંચકીને રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. તેમજ ગુનાના કામે પોલીસે મ્દ્ગજી ની કલમ ૧૦૯ ( હત્યાના પ્રયાસ )ની કલમનો ઉમેરો કરવા બાબતે કોર્ટમાં રિપોર્ટ પણ કરવામાં આવ્યો હતો.
બનાવ બન્યા બાદ હિસ્ટ્રી શીટર ભુપત બાબૂતર ઉર્ફે ભુપત ભરવાડના ભત્રીજાઓ છેલ્લા ૨૦ દિવસથી નાસતા ફરતા હતા. ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર મંગળવારે સાંજે તેઓ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા હતા. ત્યારબાદ તેમની વિધિવત રીતે ધરપકડ કરીને બુધવારના રોજ તેમને ઘટના સ્થળ ખાતે પંચનામાની કાર્યવાહી અર્થે લઈ જવામાં આવ્યા હતા. તેમજ બાકીના આરોપીઓની શોધખોળ હજુ પણ શરૂ છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે કે
તેઓ છેલ્લા કેટલા સમયથી કઈ જગ્યાએ નાસતા ફરતા હતા. તેમજ કોને ત્યાં તેમણે આશરો લીધો હતો? ઉલ્લેખનીય છે કે, નજીવી બાબત અંગે બોલાચાલી થયા બાદ ભુપત બાબુતર ઉર્ફે ભુપત ભરવાડના ભત્રીજાઓ સહિતના શખ્સો દ્વારા વિપુલ વડેચા નામના વ્યક્તિને ફ્રેક્ચર જેવી ઈજા પહોંચાડવામાં આવી હતી.
ભુપત બાબુતર ઉર્ફે ભુપત ભરવાડના ગુનાહિત ઇતિહાસ તરફ નજર કરીએ તો, વર્ષ ૨૦૦૦ થી લઇ વર્ષ ૨૦૧૯ સુધીમાં ૧૧ ગુના નોંધાઈ ચૂક્યા છે. જેમાં હત્યા, હત્યાના પ્રયાસ, આર્મ્સ એક્ટ, ગુજરાત મની લેન્ડર્સ એક્ટ, બળજબરી પુર્વક નાણાં પડાવી લેવા, પ્રોહીબિશન સહિતની કલમ અંતર્ગત ગુના દાખલ થઈ ચૂક્યા છે. જીવલેણ હુમલાનો બનાવ બન્યા બાદ ભુપત ભરવાડ દ્વારા પોતાના ભત્રીજાઓને પોલીસે સમક્ષ હાજર કરવા માટે પોતાના જુના આકાઓનો પણ સંપર્ક સાધ્યો હોવાની ચર્ચાઓ ઉઠી છે.








































