રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ (હિરાસર) ખાતે હવે કાર્ગો સર્વિસ શરૂ થઈ ગઈ છે, જે રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો અને વેપારીઓ માટે આનંદના સમાચાર છે. આ નવી સુવિધા દ્વારા વેપારીઓ હવે ૧૦૦ કિલોથી ૧ ટન સુધીનો માલ હવાઈ માર્ગે સરળતાથી મોકલી શકશે. ખાસ કરીને ઈમિટેશન જ્વેલરી, સોના-ચાંદીના આભૂષણો, પ્લાસ્ટિક પાર્ટ્સ અને ઈન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગના સેમ્પલ વિદેશ મોકલતા ઉદ્યોગકારો માટે આ સર્વિસ અત્યંત ઉપયોગી સાબિત થશે.
આ કાર્ગો સર્વિસનો સૌથી મોટો ફાયદો રાજકોટ સહિત સૌરાષ્ટ્રના એમએસએમઇ (માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ) ઉદ્યોગો અને મોરબીના ટાઈલ્સ ઉદ્યોગને થશે. અગાઉ રાજકોટના વેપારીઓએ માલ મોકલવા માટે અમદાવાદ કે મુંબઈના એરપોર્ટ પર નિર્ભર રહેવું પડતું હતું, જેના કારણે સમય અને ખર્ચ બંને વધતા હતા. હવે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે જ કાર્ગો સુવિધા શરૂ થતાં સ્થાનિક સ્તરે માલ મોકલવાની સરળતા મળશે.
સોના અને ચાંદીના આભૂષણોના વેપારીઓ માટે સેફટી એક મહત્વનું પાસું છે. અગાઉ આવા વેપારીઓએ પોતાનો માલ અમદાવાદ કે મુંબઈની કાર્ગો સર્વિસ મારફતે મોકલવો પડતો હતો, પરંતુ હવે રાજકોટમાંથી જ સુરક્ષિત રીતે માલ મોકલી શકાશે. આ ખાસ કરીને જ્વેલરી ઉદ્યોગ માટે મોટી સહુલિયત ગણાશે, કારણ કે રાજકોટના આભૂષણોની દેશભરના ટાયર-૧ અને ટાયર-૨ શહેરોમાં ભારે માંગ છે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પાર્થ ગણાત્રાએ આ નવી સુવિધા અંગે ખુશી વ્યક્ત કરી અને જણાવ્યું કે, “આ કાર્ગો સર્વિસથી વેપારીઓના સમય અને ખર્ચમાં નોંધપાત્ર બચત થશે. ખાસ કરીને જ્વેલરી અને મશીન પાર્ટ્સ જેવા સેમ્પલ માલ માટે હવે વિલંબ વગર ઓર્ડર પૂર્ણ કરવા શક્્ય બનશે.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “આ સર્વિસથી સૌરાષ્ટ્રના એમએસએમઇ ઉદ્યોગો, મોરબીના ટાઈલ્સ ઉદ્યોગ અને પ્લાસ્ટિક પાર્ટ્સના સેમ્પલ વિદેશ મોકલતા વેપારીઓને ખૂબ ફાયદો થશે.”
રાજકોટમાં ૫૦,૦૦૦થી વધુ એમએસએમઇ એકમો નોંધાયેલા છે, જેના કારણે શહેરને એમએસએમઇનું હબ ગણવામાં આવે છે. આ એકમોમાં કાસ્ટિંગ, ફોજિંગ, ઓટો પાર્ટ્સ અને સબમર્સિબલ પંપ જેવા મુખ્ય ઉદ્યોગોનો સમાવેશ થાય છે. આ કાર્ગો સર્વિસના શરૂ થવાથી આ તમામ એકમોને ઝડપી અને સરળ લોજીસ્ટીક સુવિધા મળશે, જેનાથી વેપારમાં વધુ સરળતા અને વૃદ્ધિ શક્ય બનશે.