રાજકોટમાં હત્યાની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ખીજડાવાળા રોડ પર ખુલ્લા પ્લોટમાં પરપ્રાંતીય શખ્સનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ શખ્સની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ બનાવની જાણ થતા સ્થાનિક પોલીસના ટીમ, LCB ઝોન ૨ ટીમ, એસીપી તેમજ ડીસીપી કક્ષાના અધિકારીઓ સ્થળ પર પહોંચી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ શહેરના માયાણી ચોક નજીક ખીજડાવાળા રોડ પર આવેલ ખુલ્લા પ્લોટમાં એક યુવાનની લાશ પડી હોવાની જાણ ૧૦૮ને કરવામાં આવતા ૧૦૮ના EMTએ આવી તપાસી યુવકને મૃત જાહેર કરી પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી. બનાવ અંગે જાણ થતા રાજકોટ માલવિયાનગર પોલીસ સ્ટાફ, LCB ઝોન ૨ સ્ટાફ તેમજ એસીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન મૃતક યુવકની ઓળખ થઇ હતી.તે મૂળ ઉત્તરપ્રદેશના વતની હોવાનું અને છેલ્લા ૫-૬ વર્ષથી રાજકોટમાં રહી ફેબ્રિકેશનનું મજૂરી કામ કરતા હોવાનું તેમજ અપરણિત હોવાનું સામે આવ્યું છે. જેનું નામ રાજેશ ઉર્ફે રાજુ ચિંતામણી રાજભર હોવાનું સામે આવ્યું હતું.પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક રાજેશ ઉર્ફે રાજુને માથાના ભાગે ઇજાના એક કરતા વધુ નિશાન જોવા મળી રહ્યા છે, જેથી બોથડ પદાર્થના ઘા મારી હત્યા નિપજાવી હોવાની શંકા છે. હાલ મૃતદેહને ફોરેન્સીક પોસમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.સાથે મૃતકના મામા કે જેઓ મેટોડા GIDC વિસ્તારમાં રહે છે તેમની ફરિયાદ નોંધી હત્યા કોના દ્વારા અને ક્્યાં કારણોસર કરવામાં આવી તે બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, હાલ સમગ્ર મામલે રાજકોટ માલવિયાનગર પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ ચકાસી મૃતક સાથે આગળ પાછળ કોઈ વ્યક્તિ જોળે છે કે કેમ? સહિતની દિશામાં તપાસ શરૂ કરી છે.