રાજકોટના જન્માષ્ટમી લોકમેળામાં રાઇડ્સને લઈને ભાજપ નેતા વિનુ ધવાએ નિયમોમાં છૂટછાટની માગ કરી છે. તેમનુ કહેવુ છે કે લોકમેળો થવો જોઈએ અને રાઈડ્સ સાથે જ થવો જોઈએ. આ અંગે જરૂર લાગશે તો તેઓ મુખ્યમંત્રીને પણ નિયમોમાં થોડી છૂટછાટ આપવા અંગે રજૂઆત કરશે.
તેમણે કહ્યુ કે આ લોકમેળો એ સૌરાષ્ટ્ર અને રાજકોટનું ગૌરવ છે અને જેમને વાંધો હોય તે ઘરે રહે. તેમણે કહ્યુ ચકરડી વાળો, ફઝરવાળો અને રાઈડ્સવાળા માટે સરકાર અને કલેક્ટર કાગળિયામાં થોડી બાંધછોડ કરે અને રાઈડ્સ ધારકોને મંજૂરી આપે. તેમણે કહ્યુ મેળો થવો જ જોઈએ, તેમા ચાલે જ નહીં. આ મેળો એ સૌરાષ્ટ્ર અને રાજકોટનું નાક છે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે રાજકોટમાં પડેલા ભારે વરસાદને કારણે મેળા સ્થળે મોટી માત્રામાં પાણી ભરાઈ ગયા હતા અને એકપણ દિવસ મેળો ચાલી શક્યો ન હતો. એકપણ રાઈડ્સ ચાલુ થઈ શકી ન હતી. જેના કારણે રાઈડ્સ ધારકોને મોટી નુકસાની સહન કરવી પડી હતી. બીજુ એ કે ગત વર્ષથી રાજકોટ કોર્પોરેશને અગ્નીકાંડની ઘટના બાદ તકેદારીના ભાગરૂપે રાઈડ્સ લગાવવાને લઈને નિયમો થોડા કડક કર્યા છે. જે રાઈડ્સ ધારકોને પોસાતા નથી. આથી છેલ્લા ઘણા સમયથી રાઈડ્સ ધારકો અને અધિકારીઓ વચ્ચે મડાગાંઠ ચાલી રહી છે. જે હજુ પણ ઉકેલાઈ નથી. રાઈડ્સ ધારકો નિયમોમાં કેટલીક છૂટછાટ આપવાની માગ કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ અગનીકાંડના કારણે દાઝેલા અધિકારીઓ કોઈપણ બાંધછોડ કરવાના મૂડમાં જણાઈ રહ્યા નથી. જેને લઈને જન્માષ્ટમીના મેળાના આયોજનનું કોકડુ હજુ ગૂંચવાયેલુ છે.