શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલા નંદુબાગ વિસ્તારમાં મેયર નયનાબેન પેઢડીયાના પતિ વિનોદભાઈ પેઢડીયા દ્વારા સૂચિતની જમીન ઉપર ગેર કાયદેસર કોમર્શિયલ બાંધકામ ખડકવામાં આવ્યું હોવાનો મામલો હાલ ભારે ચકચાર મચાવી રહ્યો છે. જે મામલે મીડિયામાં પ્રસારિત થતા અહેવાલો બાદ તાત્કાલિક અસરથી મનપા તંત્રના અધિકારી ઘટના સ્થળ ખાતે દોડી ગયા હતા. તેમજ ત્યારબાદ કામ બંધ કરાવવામાં આવ્યું છે.ત્યારે આ મુદ્દો હાલ રાજકોટ શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
રાજકોટ મેયર નયના પેઢડીયાના પતિ વિનોદ પેઢડીયાએ સૂચિતની જમીન ઉપર ગેર કાયદેસર કોમર્શિયલ બાંધકામ કર્યું હોવાના મામલે રાજકોટ મહાનગર પાલિક તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. આ મામલે મીડિયામાં પ્રકાશિત થતા અહેવાલો બાદ તાત્કાલિક અસરથી મહાનગરપાલિકાનું તંત્ર કુંભકરણની નિંદ્રામાંથી સફાળું જાગી ઉઠ્યું હતું. તેમજ તાત્કાલિક અસરથી મેયરના પતિને બાંધકામ દૂર કરવા બાબતે જીપીએમસી એક્ટ ૨૬૦ (૧)ની નોટિસ પણ પાઠવવામાં આવી હતી.
જોકે નોટિસ પાઠવ્યા બાદ પણ મેયરના પરિવારજનો દ્વારા બાંધકામ યથાવત રાખવામાં આવ્યું હતું. ત્યારે મીડિયા દ્વારા તે બાબતનો પણ અહેવાલ પ્રસારિત કરવામાં આવતા હાલ તાત્કાલિક અસરથી રાજકોટ મહાનગરપાલિકા તંત્રના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર ઘટના સ્થળ ખાતે દોડી ગયા હતા અને ત્યાં સ્થળ પર જઈ કામ બંધ કરાવવામાં આવ્યું હતું.
સમગ્ર મામલે રાજકોટ જીલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે નિવેદન આપતા જણાવ્યું હતું કે, નંદુબાગ વિસ્તારમાં આવેલી શિવ શÂક્ત સોસાયટી ૧૯૯૭માં બનાવવામાં આવી હતી. જમીન સંદર્ભે ૨૦૧૭ તેમજ ૨૦૨૨માં બિનખેતી કરવાની અરજી પણ આવી હતી. પરંતુ બંને વખત અરજી તંત્ર દ્વારા ફગાવી દેવામાં આવી છે.
વધુમાં તેઓએ ઉમેર્યું કે, મેયરના પરિવારજનો દ્વારા જે જમીન ઉપર બાંધકામ કરવામાં આવ્યું છે તે શ્રી સરકાર વાળી જગ્યા છે. પરંતુ તેમાં સોસાયટી બનેલી હોવાથી આ જગ્યા સૂચિત બાંધકામની શ્રેણીમાં આવે છે. સરકારના નિયમો અનુસાર આ સૂચિત સોસાયટી રેગ્યુલરાઈઝ થઈ શકે છે. પરંતુ ન્યુ શિવ શક્તિ સોસાયટીને રેગ્યુલરાઈઝ કરવાની કોઈ પણ અરજી અત્યાર સુધીમાં કલેક્ટર તંત્રને મળી નથી.









































