ભાવનગર રેન્જ આઈ.જી. આર.વી. અસારી અને અમરેલી પોલીસ વડા સંજય ખરાતના આદેશ મુજબ મિલકત સંબંધી ગુનાઓ ઉકેલવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સૂચના અન્વયે સાવરકુંડલા ડિવિઝનના ઇન્ચાર્જ મદદનીશ પોલીસ અધિક્ષક નયના ગોરડીયાના માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.એમ. કોલાદરાની ટીમે સઘન તપાસ શરૂ કરી હતી. ચોક્કસ બાતમીના આધારે પોલીસે રાજુલા ટાઉનમાંથી બે માસથી ફરાર એવા અલ્પેશ કિશોરભાઈ સોલંકી અને રોહિત ધીરુભાઈ માળી નામના બે શખ્સોને દબોચી લીધા હતા. આ બંને આરોપીઓ રાજકોટ શહેરના માલવીયા નગર અને ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલી ચોરીના ગુનાઓમાં વોન્ટેડ હતા. પોલીસે બંને આરોપીઓની અટકાયત કરીને વધુ તપાસ અર્થે રાજકોટના માલવીયા નગર પોલીસ મથકને સોંપવાની તજવીજ હાથ ધરી છે. પકડાયેલા આરોપી અલ્પેશ સોલંકી સામે અગાઉ કાલાવડ, પાલનપુર અને જૂનાગઢ સહિતના અનેક પોલીસ મથકોમાં પણ ગુનાઓ નોંધાયેલા છે.