રાજકોટ શહેરમાં સામાજિક સંતુલન જળવાઈ રહે અને મિલકતોના ખરીદ-વેચાણમાં થતી ગેરરીતિઓ અટકે તે માટે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરની ૨૮ જેટલી સોસાયટીઓમાં અશાંત ધારાની મુદત પૂર્ણ થઈ રહી હોવાથી, તેને વધુ બે વર્ષ માટે લંબાવવા રાજ્યના ગૃહ વિભાગને દરખાસ્ત મોકલવામાં આવી છે.
છેલ્લા ત્રણ મહિના દરમિયાન રાજકોટની વિવિધ સોસાયટીઓના રહેવાસીઓ દ્વારા કલેક્ટર કચેરી ખાતે રજૂઆતો કરવામાં આવી હતી. સ્થાનિકોનો આરોપ હતો કે હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારોમાં ચોક્કસ લઘુમતી સમાજ દ્વારા મિલકતોની ખરીદી કરીને ‘ડેમોગ્રાફી ચેન્જ’ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ પ્રકારના ફેરફારોને કારણે ભવિષ્યમાં સામાજિક ઘર્ષણ ન થાય તે માટે અશાંત ધારો ચાલુ રાખવો અનિવાર્ય બન્યો છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં વર્ષ ૨૦૨૧ની ચૂંટણીઓ દરમિયાન સૌ પ્રથમવાર આ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો હતો. આ કાયદાની વર્તમાન મુદત ૧૩ જાન્યુઆરીના રોજ પૂર્ણ થઈ રહી છે. તે પૂર્વે જ વહીવટી તંત્રે રિપોર્ટ તૈયાર કરી સરકારમાં મોકલી આપ્યો છે, જેથી ગૃહ વિભાગ ટૂંક સમયમાં મુદત વધારાનું જાહેરનામું બહાર પાડી શકે છે.
રાજકોટના પશ્ચિમ અને અન્ય વિસ્તારોની કુલ ૨૮ સોસાયટીઓ આ સુરક્ષા કવચ હેઠળ આવશે, જેમાં નીચે મુજબના વિસ્તારોનો સમાવેશ થાય છે. છોટુનગર કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, નિરંજની સોસાયટી, આશુતોષ સોસાયટી, સિંચાઈ નગર, સ્વસ્તીક સોસાયટી, આરાધના સોસાયટી, દિવ્ય સિદ્ધ સોસાયટી, પ્રગતિ સોસાયટી, જીવન પ્રભા, અંજની સોસાયટી, કૃષ્ણકુંજ સોસાયટી, સૌરભ સોસાયટી, રેસકોર્સ પાર્ક, વસુંધરા સોસાયટી. અવંતિકા પાર્ક, જનતા જનાર્દન સોસાયટી, શ્રેયસ સોસાયટી, નવયુગ સોસાયટી, બજરંગ વાડી વિસ્તાર, સુભાષનગર, ચુડાસમા પ્લોટ, રાજ નગર, અલકાપુરી સોસાયટી, યોગેશ્વર સોસાયટી, ઇન્કમ ટેક્સ સોસાયટી, બેંક ઓફ બરોડા સોસાયટીનો સમાવેશ થાય છે.
જ્યારે કોઈ વિસ્તારમાં અશાંત ધારો લાગુ હોય, ત્યારે મિલકત ટ્રાન્સફર કરવા માટે કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત બને છે. તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે છે કે મિલકતનું વેચાણ કોઈ દબાણ હેઠળ કે સામાજિક અશાંતિ ફેલાવવાના ઈરાદે તો નથી થઈ રહ્યું ને? આ પ્રક્રિયાથી સ્થાનિક રહીશોની સુરક્ષા અને વિસ્તારની ભૌગોલિક સ્થિતિ જળવાઈ રહે છે.







































