રાજકોટ શહેર પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સામે ગંભીર આરોપો સાથે નવો વિવાદ સામે આવ્યો છે. શહેરના જાણીતા જ્વેલર અને વેપારી હરેશ કારેલિયાએ રાજકોટના કમિશનર ઓફ પોલીસ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સહિત કુલ ૬ પોલીસ અધિકારીઓ સામે ન્યાયિક મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલો લગભગ ૪ વર્ષ જૂના ૬૦ કિલો ફાઈન ચાંદીના વ્યાજી વ્યવહારને લઈને ઉભો થયો છે.
હરેશ કારેલિયા દ્વારા કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, આશરે ૪ વર્ષ પહેલાં તેમણે ચોક્કસ વ્યક્તિને ૬૦ કિલો ઉચ્ચ ગુણવત્તાવાળી ચાંદી વ્યાજે આપી હતી. આ વ્યવહારમાં રૂ. ૨૦ લાખની રકમ વ્યાજ તરીકે લેવામાં આવી હોવાનો દાવો છે.વેપારીનો આક્ષેપ છે કે, સપ્ટેમ્બર ૨૦૨૫માં તેમણે વ્યાજ સહિતનો આખો વ્યવહાર પૂર્ણ કરી દીધો હતો અને તમામ રકમ તેમજ ચાંદી પરત કરી દીધી હતી. જાકે, તેમ છતાં વિરોધી પક્ષ તરફથી વધારાની રકમ તેમજ વધુ ચાંદીની માંગણી કરવામાં આવી રહી છે.
મામલો વધુ ગંભીર બન્યો ત્યારે જ્યારે વેપારી હરેશ કારેલિયાના પુત્રે વધારાની રકમ અને ચાંદી પરત માંગવા જતાં તેમને ધમકીઓ આપવામાં આવી. આ ધમકીઓમાં પોલીસ અધિકારીઓની સંડોવણી હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે વેપારીએ છ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે પણ ગંભીર આક્ષેપો કર્યા છે અને કોર્ટમાં સીધી ફરિયાદ નોંધાવી છે.