રાજકોટમાં એક કરૂણ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ગોંડલ રોડ પર કોરાટ ચોક નજીક ટ્રકે હડફેટે લેતા સાસુ વહુના મોત નિપજ્યા છે. ટ્રક ચાલકે બેફામ ટ્રક ચલાવી ટુ-વ્હીલરને હડફેટે લીધું હતું અને ત્યારબાદ અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર થયો હતો. આ ગોઝારા અકસ્માતમાં ટુ-વ્હીલર પર જતા ગોંડલના જ્યોતિ બેન મનોજભાઈ બાવનીયા અને પુત્રવધૂ જાહ્નવી બેન બાવનીયાના ગમખ્વાર અકસ્માતમાં કરુણ મૃત્યુ નિપજ્યા છે.

રાજકોટ ગોંડલ હાઇવે પર વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. ગમખ્વાર અકસ્માતમાં ગોંડલ ખાતે રહેતી બાવનીયા પરિવારની બે મહિલાઓના મૃત્યુ નિપજીયા હોવાનું સામે આવ્યું છે. સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર રાત્રીના ૧ઃ૦૦ વાગ્યા આસપાસ ૫ મે ૨૦૨૫ ના રોજ મનોજભાઈ બાવનીયા તેમજ તેમનો પુત્ર વ્યોમ બાવનીયા પોત પોતાની પત્ની સાથે ટુ-વ્હીલર ઉપર રાજકોટ ખાતેથી ગોંડલ પર જઈ રહ્યા હતા. જે દરમિયાન ટ્રક ચાલક દ્વારા રાજકોટ ગોંડલ હાઇવે ઉપર આવેલી કોરાટ ચોકડી પાસે પિતા પુત્રને તેમની પત્નીઓ સાથે અડફેટે લેવામાં આવતા ૪૯ વર્ષીય જ્યોતિબેન બાવનીયા તેમજ તેમની ૨૩ વર્ષીય પુત્રવધુ જાનવી બાવનીયાનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે.

અકસ્માતની ઘટનામાં મનોજભાઈ તેમજ તેમના પુત્ર વ્યોમને પણ ઇજા પહોંચતા સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતકોની લાશને પીએમ અર્થે રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી છે. મૃતકોના પરિવારજન રઘુવીર ભાઈ નિરંજનીના જણાવ્યા અનુસાર, ગઈકાલે રાજકોટ ખાતે જનોઈના પ્રસંગમાંથી તેમના સાઢુભાઈ સહિતના પરિવારજનો ગોંડલ પરત ફરી રહ્યા હતા.  તે સમયે કોરાટ ચોકડી ખાતે તેઓ પોતાના બાઈક સાથે પરિવારજનો સાથે ઉભા હતા તે દરમિયાન ટ્રક ચાલક દ્વારા તેમને અડફેટે લેવામાં આવ્યા હતા. તેમજ અકસ્માત સર્જ્‌યા બાદ ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો. ત્યારે સમગ્ર મામલે અમારા દ્વારા શાપર વેરાવળ પોલીસને હિટ એન્ડ રનની ફરિયાદ નોંધવા બાબતે જણાવવામાં આવ્યું છે. જોકે પોલીસ દ્વારા અમારી હિટ એન્ડ રન બાબતની ફરિયાદ નોંધવામાં નથી આવી રહી. જેથી અમે પરિવાર સાથે રાજકોટ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા જઈ રહ્યા છીએ.

તેમજ જ્યાં સુધી હિટ એન્ડ રનની ફરિયાદ નોંધવામાં નહીં આવે ત્યાં સુધી અમે લાશ નહીં સ્વીકારી આ પ્રકારની ચીમકી પરિવારજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. તો બીજી તરફ મળતી વિગતો અનુસાર ટ્રક લઈ ભાગી ચૂકેલા ચાલકને પોલીસે ઝડપી લીધો હોવાનું પણ હાલ જાણવા મળી રહ્યું છે. પિતા પુત્ર પ્રાઇવેટ નોકરી કરતા હોવાનું હાલ વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.