રાજકોટની પ્રતિષ્ઠિત એસએનકે સ્કૂલના મેદાનમાં સોમવારે બપોરે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. ધોરણ-૧૨ સાયન્સનો તેજસ્વી વિદ્યાર્થી આદિત્ય વાછાણી સહપાઠીઓ સાથે વોલીબોલ રમી રહ્યો હતો ત્યારે અચાનક તે જમીન પર ઢળી પડ્યો હતો.આ જાઈને શાળાના શિક્ષકો અને સ્ટાફ દ્વારા તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો છે. પ્રાથમિક તબીબી અહેવાલમાં મૃત્યુનું કારણ હાર્ટ એટેક ગણાવાયું છે.
આ ઘટનાએ રાજકોટ શહેરને હચમચાવી નાખ્યું છે. માતા-પિતાનો એકનો એક દીકરો હોવાથી વાછાણી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.સોમવારે બપોરે ૧:૩૦ વાગ્યાની આસપાસ સ્કૂલના મેદાનમાં ધોરણ-૧૨ના વિદ્યાર્થીઓ રમતગમતનો આનંદ માણી રહ્યા હતા.આદિત્ય વાછાણી પણ મિત્રો સાથે વોલીબોલ રમી રહ્યો હતો.
આ રમત દરમિયાન અચાનક તેની છાતીમાં દુખાવો થયો અને તે બેભાન થઈને જમીન પર પટકાયો.સાથે રમતા વિદ્યાર્થીઓએ તુરંત શિક્ષકોને જાણ કરી.શાળાના સ્ટાફે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા.હોસ્પિટલ પહોંચતાં જ ડોક્ટરોએ ઇસીજી કર્યું અને સીપીઆર આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ આદિત્યને બચાવી શકાયો નહીં.આદિત્યનું મોત એકલો કેસ નથી. ગત બે-ત્રણ વર્ષમાં ગુજરાતમાં ૧૫થી ૨૫ વર્ષની ઉંમરના યુવાનોમાં અચાનક હાર્ટ એટેકના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે.