બાબરા-અમરેલી રોડ પર લુણકી ગામ નજીક ડીઝલ ટેન્કર પલટી જતાં તેમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ બાદ ટેન્કરમાં ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ડ્રાઈવર ભડથું થઈ જતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાની જાણ થતા બાબરા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી અને આગમાં લપેટાયેલા ટેન્કર પર પાણીનો મારો કર્યો હતો. ૩ કલાકે આગ કાબૂમાં આવી હતી. ઘટનાની જાણ થતાં બાબરા પોલીસ પણ તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ?
મળતી માહિતી અનુસાર, રાજકોટથી અમરેલી તરફ જતું ડીઝલ ભરેલ ટેન્કર બાબરા નજીક પલ્ટી જતા તેમાં બ્લાસ્ટ થયો હતો જેના લીધે પ્રચંડ ધડાકાનો અવાજ સંભળાયો હતો. આ અવાજ દૂર દૂર સુધી સંભળાતા આસપાસના લોકોમાં ભયનો માહોલ જાવા મળ્યો હતો. સમગ્ર ઘટનાને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તેમજ ઘટનાને લઇ લોકો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હજુ ડ્રાઈવરની ઓળખ થઇ શકી નથી.