શહેરમાં ઉતરાયણનો પર્વ લોહિયાળ બન્યો હતો. રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા મેઘાણીનગર વિસ્તારમાં ૨૫ વર્ષીય યુવાનની ૧૬થી વધુ છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો હતો. ત્યારે ભક્તિનગર પોલીસે લિવ-ઇન સંબંધના વિવાદમાં યુવકની હત્યા મામલે ગણતરીની કલાકોમાં બે આરોપીઓની ધરપકડ કરી છે.

રાજકોટમાં લિવ-ઇન રિલેશનશીપને લઈને ઊભેલા વિવાદમાં ૨૫ વર્ષીય યુવકની હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ૧૪ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ મેઘાણીનગર વિસ્તારમાં સાવન ગોસ્વામી નામના યુવક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં તેની પૂર્વ લિવ-ઇન પાર્ટનર ૪૫ વર્ષીય વર્ષા ગઢવી અને તેના મિત્ર ૨૨ વર્ષીય દર્શન ઉર્ફે ભૂદેવ ચૌહાણની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.

મૃતકના પિતા રમણીકપરી ગોસ્વામી (ઉંમર ૬૩) દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી છે. આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૧૦૩(૧), ૨૨૩, ૫૪ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ, સાવન ગોસ્વામી અને વર્ષા ગઢવી અગાઉ લગ્ન વગર પતિ-પત્ની તરીકે સાથે રહેતા હતા. છેલ્લા ચાર મહિનાથી બંને વચ્ચે મનમેળ ન હોવાના કારણે અલગ થયા હતા. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, આ સમયગાળા દરમિયાન સાવન દ્વારા વર્ષાને હેરાન-પરેશાન કરવામાં આવતી હતી તેમજ અગાઉ છરી મારવાની ઘટના બની હતી.

ઇન્વેસ્ટીગેશન ઓફિસર એમ.એમ. સરવૈયાએ જણાવ્યું કે, વર્ષા સાવનથી અલગ થયા બાદ દર્શન સાથે રહેવા લાગી હતી. દોઢ મહિના અગાઉ સાવન દ્વારા વર્ષાને છરી મારવામાં આવી હતી. વારંવાર થતી હેરાનગતિથી કંટાળી વર્ષાએ દર્શનની મદદથી હત્યા કરવાની યોજના બનાવી હતી. વર્ષાએ ૧૪ જાન્યુઆરીના રોજ સાવનને મળવા માટે ફોન કરીને બોલાવ્યો હતો. ત્યારબાદ વર્ષા અને દર્શન બંનેએ સાવન પર હુમલો કર્યો અને શરીરના પેટ, છાતી, હાથ, માથા સહિતના ભાગોમાં ૧૬થી વધુ છરીના ઘા ઝીંક્યા હતા, જેના કારણે સાવનનું સ્થળ પર જ મોત થયું હતું.

ડીસીપી ઝોન-૧ હેતલ પટેલે મીડિયાને જણાવ્યું કે, વર્ષા ગઢવી વિરુદ્ધ રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ત્રણ ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે દર્શન ઉર્ફે ભૂદેવ ચૌહાણ વિરુદ્ધ રાજકોટ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અને ગુનાહિત કાવતરાં સહિત છ જેટલા ગુના નોંધાયેલા છે.

પોલીસે બંને આરોપીઓની કબૂલાત મેળવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે. ત્યારે બંને આરોપીઓને ગુનાના કામે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તેમજ ગુનાના કામે વાપરવામાં આવેલ હથિયાર કબજે કરવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.