શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાપુનગર સ્મશાન પાસે સોમવારના રોજ રાત્રિના નવ વાગ્યા આસપાસ ૨૧ વર્ષીય ઈશાન મેમણ નામના યુવાનની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે મૃતકના ૫૦ વર્ષીય પિતા મુસ્તુફા મેમણ દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે બી.એન.એસ.ની કલમ ૧૦૩(૧), ૩(૫), ૩૫૨ અમન ચૌહાણ, અફઝલ જુણેજા તેમજ સાહિલ પટાણી સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસને આપેલી ફરિયાદમાં મુસ્તુફા મેમણ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પોતાના દીકરા ઈશાનને અમનની પત્ની સાથે મિત્રતા હોય તેવી શંકા રાખીને તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ દ્વારા ઈશાનની હત્યા કરતા પૂર્વે તેનો મોબાઈલ ફોન પણ ચેક કરવામાં આવ્યો હતો. જે બાબતે પણ ઈશાન અને આરોપીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારે અમન ચૌહાણ દ્વારા પોતાની પાસે રહેલ છરી વડે ઈશાનને પેટના વચ્ચેના ભાગે ઘા ઝીંકી તેની હત્યા કરવામાં આવી છે. ત્યારે બનાવ સંદર્ભે રાજકોટ શહેર ડિપાર્ટમેન્ટ ઓફ ક્રાઈમ બ્રાન્ચ, લોકલ ક્રાઈમ બ્રાન્ચ તેમજ ભક્તિનગર પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે જ્યારે કે અન્ય આરોપીઓની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઈશાન પોતાના પિતાનો એકનો એક દીકરો હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે એકના એક દીકરાની હત્યા થતા મેમણ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ત્યારે પોલીસ તપાસમાં મૃતકની હત્યાનું પાછળ સ્ત્રીપાત્ર હોવાનું જ સામે આવે છે કે પછી અન્ય કોઈ કારણ સામે આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે. મળતી વિગત અનુસાર પોલીસ દ્વારા હાલ જરૂરી પુરાવાઓ પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે.