રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા રાજકોટ શહેરના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલા સીતાજી ટાઉનશીપમાં ક્વાર્ટર નંબર C ૪૦૪માં થતા ગેરકાયદે ગર્ભ પરીક્ષણના કારસ્તાનને ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ૪૦ વર્ષીય સરોજ ડોડીયા નામની મહિલાને ઝડપી પાડવામાં આવી છે. તેમજ તેના વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડોક્ટર મૌલિક ઠાકર દ્વારા પીસી એન્ડ પીએનપીટી એક્ટની જુદી જુદી કલમ અંતર્ગત ગુનો પણ નોંધાવવામાં આવ્યો છે.

પોલીસની તપાસમાં સરોજ ડોડીયા દ્વારા ગર્ભ પરીક્ષણ માટે એક મહિલા દલાલને રાખવામાં આવી હતી. જે મહિલા દલાલ સરોજ પાસે ગ્રાહકો લઇ આવતી હતી. જે પેટે તેને કમિશન પણ આપવામાં આવતું હતું. તેમજ ગર્ભ પરીક્ષણ કરવા માટે તેણે સીતાજી ટાઉનશીપમાં ક્વાર્ટર પણ ખરીદ કર્યું હતું. જે ક્વાર્ટર તેણે મદ્રાસી પરિવારને ભાડે આપ્યું હતું. તેમજ જ્યારે કોઈ સગર્ભા ગ્રાહક આવે ત્યારે પરિવાર એક રૂમ ખાલી કરી આપતો હતો.

સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઇ સંજય સિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને ચોક્કસ રાહેથી બાતમી મળી હતી કે, રાજકોટના સહકાર મેઈન રોડ પર રઘુવીર સોસાયટીમાં રહેતી સરોજ બેન નામની મહિલા જે હોમ કેર ન‹સગની સારવાર સાથે સંકળાયેલ છે. તે ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ પોતાના ઘરે તેમજ ક્લાયન્ટના ઘરે જઈ કરી આપે છે. તે બાબતે મહિલા કોન્સ્ટેબલ ડમી ગ્રાહક બન્યા હતાં. તેમજ ત્યારબાદ રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી સહિતનાને સાથે રાખી ટ્રેપ ગોઠવતા સરોજબેન ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા ઝડપાઈ ગયા હતા. જેથી તેમના વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે. તો સાથોસાથ ૪,૦૦,૦૦૦ રૂ.ની કિંમતનું સોનોગ્રાફીના મશીન સહિતની વસ્તુઓ કબજે કરવામાં આવી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સરોજ ધોરણ ૧૨ પાસ અને ન‹સગનો કોર્ષ કરેલ હોવાનું સામે આવ્યું છે. તેમજ ૧૦ વર્ષ કરતાં પણ વધુ ન‹સગના વ્યવસાય સાથે સંકળાયેલી હોવાનું સામે આવ્યું છે. તેમજ ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ માટે ૨૦,૦૦૦ રૂપિયા જેટલી માતબર રકમ લેતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે ડોક્ટર દ્વારા ઉપયોગમાં લેવામાં આવનાર ગર્ભ પરીક્ષણનું મશીન એક ન‹સગ હોમ કેરના વ્યવસાય સાથે સંકળાયેલ મહિલા પાસે કેવી રીતે આવ્યું તે બાબતે પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસને શંકા છે કે સમગ્ર ઘટનામાં કોઈ ગાયનેકોલોજિસ્ટનો રોલ પણ આગામી દિવસમાં સામે આવી શકે છે. સરોજ અગાઉ પણ ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતા પોલીસના હાથે વર્ષ ૨૦૨૧માં ઝડપાઈ ચૂકી છે. ત્યારે તેના વિરુદ્ધ રાજકોટ ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.